News of Tuesday, 15th September 2026
તાલિબાની શાસનમાં એકલા મુસાફરી કરતી કેરળની મહિલા બ્લોગર મુશ્કેલીમાં: અફઘાનિસ્તાનના બામિયાનમાં ધરપકડની મળી ધમકી!
પુરુષ સાથી વિના મુસાફરી કરવા પર તાલિબાન સરકારનો કડક બાન; સોશિયલ મીડિયા પર 'બેકપેકર અરુણિમા'એ આપવીતી શેર કરતા ચિંતા વધી

કોચી : અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન હેઠળ મહિલાઓ પર લાદવામાં આવેલા આકરા અને કડક નિયમોનો ભોગ હવે વિદેશી પ્રવાસીઓ પણ બની રહ્યા છે. કેરળની જાણીતી મહિલા ટ્રાવેલ બ્લોગરે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાનના ઐતિહાસિક શહેર બામિયાનમાં એકલા મુસાફરી કરવા બદલ સ્થાનિક તાલિબાની અધિકારીઓએ તેને જેલમાં ધકેલી દેવાની અને ધરપકડ કરવાની સીધી ધમકી આપી છે.
'બેકપેકર અરુણિમા' (Backpacker Arunima) નામે સોશિયલ મીડિયા ફેસબુક પેજ ચલાવતી આ મહિલા સોલો ટ્રાવેલરે પોતાના તાજેતરના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં હાલ પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈપણ મહિલા કોઈ પુરુષ સાથી (મહરમ) કે અધિકૃત માર્ગદર્શક વિના એકલી મુસાફરી કરી શકતી નથી. બામિયાન પહોંચતા જ તાલિબાની સત્તાવાળાઓએ તેના એકલા હોવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને દેશના કાયદાનો ભંગ કરવા બદલ ધરપકડની ચીમકી આપી હતી.
આ પહેલીવાર નથી જ્યારે આ ભારતીય બ્લોગરને આવી કડવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય. આ પૂર્વે અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં પણ માત્ર એકલી મહિલા હોવાના કારણે તાલિબાની મુજાહિદ્દીનો દ્વારા તેને આગળ પ્રવાસ કરવાની પરમિટ આપવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય એક તબક્કે તેની અટકાયત પણ કરવામાં આવી હોવાનો તેણે ખુલાસો કર્યો છે. તાલિબાનના આ મધ્યયુગીન કાયદાઓ અને મહિલાઓ પરના આકરા પ્રતિબંધોને કારણે અફઘાનિસ્તાનમાં મુસાફરી કરી રહેલી વિદેશી મહિલા સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
