News of Saturday, 21st November 2026
પુતિનની ચેતવણી બાદ કિવ પર મિસાઇલ અને ડ્રોન હુમલો: ૩ ના મોત : પુલ અને વીજ માળખાને મોટું નુકસાન
કેર્ચ બ્રિજ પર યુક્રેનના હુમલાનો બદલો લેવાની પુતિનની ચીનથી આપેલી ચેતવણીના ગણતરીના કલાકોમાં જ કિવમાં તબાહી: ડીનીપર નદીના પુલોને નુકસાન થતાં અવરજવર ઠપ અને પાંચ જિલ્લામાં વીજળી ગુલ

કિવ : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બદલાની ચેતવણીના થોડા કલાકો બાદ જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર રાતોરાત ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં ૩ લોકોના મોત થયા છે અને ૯ અન્ય નાગરિકો ઘાયલ થયા છે, જ્યારે અનેક ઇમારતો, પુલ અને પરિવહન વ્યવસ્થાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં ક્રિમીઆને રશિયન મુખ્ય ભૂમિ સાથે જોડતા કેર્ચ બ્રિજ પર યુક્રેને ત્રણ હવાઈ હુમલા કર્યા હતા, જેના રોડ સેક્શનને નુકસાન થયું હોવાનો દાવો કરતા પુતિને ગુરુવારે ચીનમાં આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી હતી અને પુલનું પુનઃનિર્માણ કરવાનું વચન આપ્યું હતું.
કિવ શહેર લશ્કરી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ હુમલામાં રાજધાનીના ચાર જિલ્લાને અસર થઈ છે અને ઘણી બિન-રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે, જ્યારે પોડિલ્સ્કી અને ડાર્નિત્સ્કી જિલ્લામાં પરિવહન અને લોજિસ્ટિક્સ માળખાને ફટકો પડ્યો છે. વીજ કંપની DTEK મુજબ, પેચેર્સ્કી, સોલોમિઆન્સ્કી, હોલોસિવસ્કી, ડિનિપ્રોવ્સ્કી અને ડાર્નિત્સ્કી જિલ્લાના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. કિવના મેયર વિટાલી ક્લિચકોએ માહિતી આપી હતી કે બેલિસ્ટિક મિસાઇલ હુમલામાં પોડિલ્સ્કી બ્રિજને નુકસાન થતાં ડીનીપર નદીના જમણાથી ડાબા કાંઠા તરફનો ટ્રાફિક સ્થગિત કરાયો છે, જ્યારે ડાર્નિત્સ્કી અને દક્ષિણ પુલ પર પણ પ્રતિબંધો લદાયા છે, જ્યાં ડાબાથી જમણા કાંઠા તરફ માત્ર ૧૦ ટન સુધીના વાહનો અને ૧૮ ટન સુધીના જાહેર પરિવહન વાહનોને જ મંજૂરી આપવામાં આવી છે.
પરિવહન વ્યવસ્થા ખોરવાતા અને વીજળી ગુલ થતા શહેરની દૈનિક કામગીરી પર ગંભીર અસર પડી છે. મેયર ક્લિચકોએ શહેરના રહેવાસીઓને અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી વાહનો ન ચલાવવાની અપીલ કરી છે. સાથોસાથ, તેમણે વ્યવસાયો અને વિવિધ સંસ્થાઓને પણ વિનંતી કરી છે કે જ્યાં શક્ય હોય ત્યાં કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા ગોઠવે, જેથી શહેરના ટ્રાફિક અને સંસાધનો પરનું ભારણ ઘટાડી શકાય.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
