<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

દિલ્હી એરપોર્ટ પર CISFની સતર્કતાથી છરીની દાણચોરી નિષ્ફળ: કંપાસ બ્રેસલેટમાંથી નીકળી તીક્ષ્ણ છરી

DFMD અને HHMDમાં સંકેત ન મળવા છતાં અધિકારીની નજરથી રહસ્ય ખુલ્યું; બટન દબાવતાં છુપાયેલી છરી બહાર આવી

દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ 1-ડી ખાતે સવારે લગભગ 5:30 વાગ્યે પ્રી-એમ્બાર્કેશન સુરક્ષા તપાસ દરમિયાન CISFના સબ-ઇન્સ્પેક્ટરની તીક્ષ્ણ નજર અને સતર્કતાને કારણે એક મુસાફરના કંપાસ બ્રેસલેટમાં છુપાયેલી તીક્ષ્ણ છરી ઝડપાઈ હતી અને ફ્લાઇટમાં દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

 

મુસાફરના કાંડા પર દૂરથી ઘડિયાળ જેવી દેખાતી, દોરાના પટ્ટા અને પ્લાસ્ટિકના ભાગ સાથે જોડાયેલી વિચિત્ર વસ્તુ પર અધિકારીનું ધ્યાન ગયું હતું, જ્યારે ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD)માંથી પસાર થતી વખતે કોઈ શંકાસ્પદ સંકેત મળ્યો નહોતો.

 

સુરક્ષા તપાસ દરમિયાન હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટર (HHMD) ફેરવવા છતાં કોઈ બીપ સંભળાઈ નહોતી, પરંતુ મુસાફરની આંખોમાં થયેલા હલનચલનને જોઈને CISF અધિકારીને શંકા ગઈ અને તેમણે વસ્તુ કાઢીને બતાવવા કહ્યું હતું.

 

ઘડિયાળ જેવી વસ્તુ કાઢવા કહેતાં જ મુસાફરનો ચહેરો ઝડપથી બદલાઈ ગયો હતો અને અધિકારીએ હાથમાં લઈને નજીકથી તપાસ કરતાં પ્લાસ્ટિકના કેસમાં દોરાથી બાંધેલા હોકાયંત્રની બાજુમાં એક બટન જોવા મળ્યું હતું, જે દબાવતાં જ તીક્ષ્ણ છરી બહાર નીકળી આવી હતી.

 

BCASના નિયમો મુજબ ફ્લાઇટમાં કોઈપણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે, ત્યારે આ બનાવ બાદ CISF દ્વારા બ્રેસલેટ જપ્ત કરીને મુસાફરની પૂછપરછ અને તેના હેતુઓની તપાસ શરૂ કરવામાં આવી હતી.

(10:40 PM IST)