News of Monday, 28th September 2026
કોલકાતાની પ્રખ્યાત SRFTI ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ રણમેદાન બની: દક્ષિણપંથી જૂથના કાર્યક્રમ સામે વિદ્યાર્થીઓનો હોબાળો, હિંસક ઝપાઝપીમાં ૩૦ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઘાયલ
કેમ્પસમાં બહારના સંગઠનના પ્રવેશ મુદ્દે વિવાદ ગરમાયો: પથ્થરમારો, ગંભીર આરોપો અને મોડી રાત સુધી ચાલેલા ધરણા બાદ પોલીસે ૩ FIR નોંધી તપાસ હાથ ધરી.

કોલકાતા, તા.૨૮: દેશની અગ્રણી અને પ્રતિષ્ઠિત ફિલ્મ સંસ્થાઓમાંની એક એવી કોલકાતા સ્થિત 'સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ' (SRFTI) કેમ્પસ રવિવારે સાંજે અચાનક રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. સંસ્થાના ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા ગ્રાહક-જાગૃતિ સંગઠન 'અખિલ ભારતીય ગ્રાહક પંચાયત' (ABGP) ના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં બહારના સંગઠનને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવા સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવતા મામલો બિચક્યો હતો. બે જૂથો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ૩૦ થી વધુ વિદ્યાર્થીઓ અને બે ફેકલ્ટી સભ્યો ઘાયલ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ABGP એ રૂ. ૧૫,૦૦૦ ચૂકવીને ઓડિટોરિયમ ભાડે લીધું હતું અને સવારે ૧૦ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થયો હતો. જોકે, બોલાચાલી ત્યારે શરૂ થઈ જ્યારે વિદ્યાર્થીઓના એક જૂથે ઓડિટોરિયમ પાસે વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવ્યા. વિદ્યાર્થી સંઘનો આક્ષેપ છે કે કાર્યક્રમના વક્તાઓએ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી અને વિદ્યાર્થીઓને "રાષ્ટ્રવિરોધી", "અર્બન નક્સલ" તથા "આતંકવાદી" કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને કેમ્પસ બહારથી ઈંટો-પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
બીજી તરફ, ABGP જૂથે તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમના સભ્યોએ દાવો કર્યો હતો કે શાંતિપૂર્ણ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અચાનક હોલની અંદર ઘૂસી આવ્યા હતા, બેનરો અને પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને કાર્યક્રમમાં ભારે વિક્ષેપ પાડી સભ્યો પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં તેમના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
ઘટના બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને રાતભર ધરણા પર બેસી ગયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને કેમ્પસમાં અને બહાર ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું હતું. મોડી રાત્રે પોલીસની હાજરીમાં આયોજકોની બસ અને એમ્બ્યુલન્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદોને આધારે કુલ ૩ FIR નોંધી છે, જેમાં બે ABGP તરફથી અને એક SRFTI વિદ્યાર્થીઓ તરફથી દાખલ કરવામાં આવી છે. હાલમાં કેમ્પસમાં ભારે તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
