News of Saturday, 12th September 2026
કેનેડામાં મકાનમાલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદે લીધું હિંસક રૂપ: ભારતીય મૂળની મહિલાની ધરપકડ, સોશિયલ મીડિયા પર વાયરલ ઘટના બાદ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા
ઓન્ટારિયોમાં ભાડૂતના મકાનમાં ગેરકાયદે પ્રવેશ અને મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર કાર્યવાહી: ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ

ટોરોન્ટો (કેનેડા) : કેનેડાના ઓન્ટારિયો વિસ્તારમાં મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેનો સામાન્ય તકરારનો મામલો અત્યંત ઉગ્ર બની જતાં ભારતીય મૂળની એક મહિલાની કેનેડિયન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા ભાડા અને મિલકતના વિવાદ બાદ પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે મામલો મારામારી અને મિલકતની તોડફોડ સુધી પહોંચી ગયો હતો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ભારતીય મૂળની મકાનમાલિક મહિલા પર ભાડૂઆતના પરિસરમાં તેની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા, મિલકતને નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભાડૂઆતે આક્ષેપ કર્યો હતો કે મહિલાએ ઘરનો સામાન બહાર ફેંકી દેવાનો અને મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ભારે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી.
સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં વિવાદ કેટલો વણસ્યો હતો તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મહિલાની અટકાયત કરી હતી.
કેનેડામાં હાલના સમયમાં મકાનના ભાડા અને ભાડૂઆતોના હક અંગેના કાયદાઓ અત્યંત કડક હોવાના કારણે આ ઘટનાએ ત્યાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિક કાનૂની નિષ્ણાતોના મકાનમાલિકે કાયદો હાથમાં લેવાને બદલે લેન્ડલોર્ડ એન્ડ ટેનન્ટ બોર્ડ (LTB) દ્વારા યોગ્ય કાનૂની પ્રક્રિયા અપનાવવી જોઈતી હતી. હાલમાં પોલીસે મહિલાને શરતી જામીન પર મુક્ત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
