News of Monday, 13th July 2026
પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા વધુ કડક: હવે તોફાનીઓ પર પોલીસનો સકંજો, ટ્રાયલ વિના એક વર્ષ સુધી અટકાયત અને સંપત્તિ જપ્તીની જોગવાઈ અમલમાં
રાજ્ય સરકારના નવા જાહેર સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુધારા કાયદાનો આજથી રાજ્યવ્યાપી અમલ: સત્તાધિકારીઓને તોફાની તત્વોને રોકવા માટે વ્યાપક સત્તાઓ સોંપાઈ, સરકારી-ખાનગી મિલકતના નુકસાનની ભરપાઈ માટે તોફાનીઓની મિલકત ટાંચમાં લેવાશે

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા બે અત્યંત મહત્વપૂર્ણ અને કડક કાયદાઓનો આજથી રાજ્યભરમાં સત્તાવાર અમલ શરૂ થયો છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ, ‘વેસ્ટ બંગાળ પબ્લિક સેફ્ટી એન્ડ કંટ્રોલ ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, ૨૦૨૬’ અને ‘વેસ્ટ બંગાળ મેઈન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૬’ હવે કાયદાકીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. આ કાયદાઓ લાગુ થવાથી રાજ્યમાં અસામાજિક તત્વો અને તોફાનીઓ પર પોલીસનો સકંજો વધુ મજબૂત બનશે.
ટ્રાયલ વિના ૧૨ મહિના સુધી અટકાયતની જોગવાઈ
નવા અમલમાં આવેલા જાહેર સુરક્ષા કાયદા હેઠળ, પોલીસ અને વહીવટીતંત્રને વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે. હવે જો કોઈ વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય અથવા ભવિષ્યમાં જાહેર વ્યવસ્થાને જોખમ પહોંચાડે તેવી શક્યતા હોય, તો તેને પ્રિવેન્ટિવ ડિટેન્શન (નિવારક અટકાયત) હેઠળ એક વર્ષ સુધી ટ્રાયલ વગર અટકાયતમાં રાખી શકાશે. આ સત્તાઓ પોલીસ કમિશનર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) રેન્કના અધિકારીઓને આપવામાં આવી છે. જોકે, આ પ્રકારના આદેશોની સમીક્ષા માટે હાઈકોર્ટના નિવૃત્ત અથવા કાર્યરત ન્યાયાધીશના અધ્યક્ષપદે એક એડવાઈઝરી બોર્ડની રચના કરવામાં આવશે, જે ત્રણ સપ્તાહની અંદર કેસની તપાસ કરશે.
તોફાનીઓની સંપત્તિ થશે ટાંચમાં
બીજા કાયદા, ‘જાહેર વ્યવસ્થા જાળવણી (સુધારા) અધિનિયમ’ હેઠળ રાજ્યમાં હવે હિંસક વિરોધ પ્રદર્શન કે તોફાનો દરમિયાન થતા જાહેર કે ખાનગી મિલકતના નુકસાનની સંપૂર્ણ જવાબદારી તોફાનીઓ પર રહેશે. આ કાયદા મુજબ, તોડફોડ કરનાર વ્યક્તિ પાસેથી નુકસાનની વસૂલાત કરવામાં આવશે. જો આરોપી નિર્ધારિત સમયમાં દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો વહીવટીતંત્ર તેમની મિલકત ટાંચમાં લઈને તેને હરાજી કરવાની સત્તા ધરાવશે.
સરકારની સ્પષ્ટતા: ગુનાખોરી પર અંકુશ પ્રાથમિકતા
રાજ્ય સરકારના આ કદમને લઈને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ કાયદાનો ઉદ્દેશ્ય રાજકીય બદલો લેવાનો નથી, પરંતુ રાજ્યમાં વધી રહેલી ગુનાખોરી અને રાજકારણના અપરાધીકરણને ડામવાનો છે. સરકારનું માનવું છે કે મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ પ્રકારના કાયદાઓ અમલમાં છે, જેણે જાહેર વ્યવસ્થા જાળવવામાં મદદ કરી છે. બીજી તરફ, વિરોધ પક્ષોએ આ કાયદાઓને કડક ગણાવતા પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના જવાબમાં સરકારે આ કાયદાઓનું ચુસ્ત પાલન કરવા અને તેનો દુરુપયોગ ન થાય તે માટે આંતરિક સુરક્ષા વ્યવસ્થાને સજ્જ રાખવાની ખાતરી આપી છે.
આ કાયદાઓના અમલ સાથે જ રાજ્યમાં હવે તોફાનો કે અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીનો નવો અધ્યાય શરૂ થયો છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
