News of Monday, 19th October 2026
બોલિવૂડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ફફડાટ: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા આકરી કરાઈ
ધમકીભરી ઓડિયો ક્લિપ વાયરલ થતાં મુંબઈ પોલીસ હાઈએલર્ટ પર; સલમાન ખાન સાથે કામ કરનારાઓને પણ ભયાનક અંજામ ભોગવવાની બિશ્નોઈ ગેંગની કડક ચેતવણી

મુંબઈ : બોલિવૂડ ગ્લેમર વર્લ્ડમાં ફરી એકવાર ગૅંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગની ખૌફનાક દહેશત જોવા મળી રહી છે. મુંબઈના જુહુ વિસ્તારમાં જાણીતા ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટના બાદ મુંબઈ પોલીસે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' બહારની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક અને ચુસ્ત કરી દીધી છે. પોલીસ દ્વારા ગેલેક્સી એપાર્ટમેન્ટ આસપાસના રસ્તાઓ પરથી પસાર થતાં દરેક શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે જુહુના પુષ્પા પાર્ક નજીક આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ બહાર ટાઈગર શ્રોફને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ફેસબુક પોસ્ટ અને એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ હતી. અનિલ પંડિત અને અનમોલ બિશ્નોઈના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા મેસેજમાં બોલિવૂડની અનેક હસ્તીઓને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી, જેનાથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં સનસનાટી મચી ગઈ છે.
વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે બોલનારી વ્યક્તિ અનિલ પંડિત છે. ક્લિપમાં એવી ચીમકી આપવામાં આવી હતી કે ટાઈગર શ્રોફને પહેલાં ફોન કરીને સમજાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે વાત ન માનતા આ ગોળીબાર કરવામાં આવ્યો છે. ક્લિપમાં વધુમાં ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન સાથે જે પણ કામ કરશે તેનો અંજામ આનાથી પણ વધુ ભયાનક હશે. આ ધમકી બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
