તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
યુકેના ડેનહેમમાં ૐ ક્રેમેટોરિયમના લોકાર્પણ નિમિત્તે "ભજન કરતા કરતા ક્રિયા કરીએ" શીર્ષક હેઠળ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : ૨૬૦થી વધુ ભક્ત કલાકારોએ ભક્તિ અને સેવાનો અવિસ્મરણીય સંદેશ આપ્યો
ભારત, અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડના કલાકારોએ સંગીત, નૃત્ય, અભિનય અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી પ્રસ્તુતિ રજૂ કરી : સંતભગવંતજી અને સદગુરુ સંતોએ કલાકારો અને સેવકો પર આશીર્વાદ વરસાવ્યા

ડેનહેમ (યુકે): યુકેના ડેનહેમ ખાતે સંતભગવંતજીની દિવ્ય પ્રેરણાથી ૐ ક્રેમેટોરિયમના લોકાર્પણ મહોત્સવની પાવન સંધ્યાએ “ભજન કરતા કરતા ક્રિયા કરીએ” શીર્ષક હેઠળ એક ભવ્ય અને ભાવવાહી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત, અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડમાંથી આવેલા ૨૬૦થી વધુ ભક્ત કલાકારોએ સંગીત, નૃત્ય, અભિનય અને આધુનિક ટેક્નોલોજીના સુંદર સમન્વય દ્વારા ભક્તિ અને સેવાનો અવિસ્મરણીય સંદેશ પ્રસ્તુત કર્યો હતો.
કાર્યક્રમનો મંગલ પ્રારંભ અનુપમ મિશન યુકેની યુવતી મંડળ દ્વારા શ્રી ગણેશ વંદના નૃત્યથી થયો હતો. ત્યારબાદ લગભગ બે કલાક સુધી ચાલેલી વિશિષ્ટ પ્રસ્તુતિમાં નૃત્ય, સંવાદ, આકર્ષક કોસ્ચ્યુમ, આધુનિક લાઈટિંગ, અદભુત સાઉન્ડ સિસ્ટમ અને ડિજિટલ પ્રોજેક્શનના સુમેળથી ઉપસ્થિત હજારો હરિભક્તો ભાવવિભોર બન્યા હતા.
આ સાંસ્કૃતિક પ્રસ્તુતિના પ્રથમ ભાગમાં અનુપમ મિશન યુકેના આધ્યાત્મિક વિકાસની ઐતિહાસિક યાત્રાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી. જ્યારે બીજા ભાગમાં ૐ ક્રેમેટોરિયમના સાકારીકરણ પાછળ રહેલા ગુરુઆજ્ઞાપાલન, અવિરત ધૂન-ભજન, અડગ શ્રદ્ધા અને પ્રભુબળથી અશક્ય લાગતું કાર્ય કેવી રીતે શક્ય બન્યું તેની પ્રેરણાદાયી ગાથા દર્શાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સર્જનાત્મકતા, ભક્તિભાવ, સંપ, સુહૃદભાવ અને એકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જેની પરિકલ્પના અને દિવ્ય પ્રેરણા સંતભગવંતજીના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ હતી.
પ્રસ્તુતિ પૂર્ણ થયા બાદ સંતભગવંતજી, સદગુરુ સંતો અને અક્ષરમુક્તોએ કાર્યક્રમ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સેવા આપનાર તમામ સેવકો તથા કલાકારોને હૃદયપૂર્વક બિરદાવ્યા હતા. આ પ્રસંગે સદગુરુ સાધુ પૂ. મનોજદાસજીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર કલાત્મક રજૂઆત નહોતો, પરંતુ ભજન અને ક્રિયાના સમન્વયથી ગુરુઆજ્ઞા અનુસાર જીવન જીવવાનો જીવંત સંદેશ હતો.
અંતમાં સંતભગવંતજીએ અભિનય અને નૃત્યની તાલીમ આપનાર, કલાકારો તેમજ સમગ્ર ટેક્નિકલ ટીમ સહિત તમામ સેવકોની નિષ્ઠા, મહેનત અને ગુરુભક્તિને ધન્ય ગણાવીને તેમના પર આશીર્વાદ વરસાવ્યા હતા. ભક્તિ, સેવા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સંગમરૂપ આ ભવ્ય કાર્યક્રમે ઉપસ્થિત સૌના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિઓ અંકિત કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
