<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

નારી શકિતને આપેલું વચન પુરૂ કરીને ઝંપશું

કેન્‍દ્ર સરકાર મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનું વચન પુર્ણ કરવા પ્રતિબધ્‍ધઃ પીએમએ સોશ્‍યલ મીડીયા પર જારી કર્યો વિડીયો અનામત લાગુ કરવા આડે આવતા બધા અવરોધો દૂર કરશું: વિરોધ કરનારા પક્ષો નારી શકિતને રોકી નહી શકે

નવી દિલ્‍હી, તા.૨૮: સંસદના આગામી વિશેષ સત્ર પહેલાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ મહિલા અનામત કાયદાના અમલીકરણ મુદ્દે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કરતાં સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે મહિલા અનામતના માર્ગમાં આવતા દરેક અવરોધને દૂર કરવામાં આવશે અને કોઈ પણ શક્‍તિ સરકારને રોકી શકશે નહીં. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જારી કરીને વડાપ્રધાન મોદીએ જણાવ્‍યું હતું કે દેશની ૧૦૦ ટકા મહિલા શક્‍તિના આશીર્વાદ તેમની સાથે છે અને સંસદ તથા રાજ્‍ય વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસોને વિપક્ષ રોકી શકશે નહીં.નારી શક્‍તિને આપેલું વચન પૂરું કરીને જ ઝંપશું.  ૩૦ નવેમ્‍બરથી શરૂ થનારી લોકસભા અને ૨ ડિસેમ્‍બરથી મળનારી રાજ્‍યસભાની વિશેષ બેઠક પૂર્વે પીએમ મોદીના આ નિવેદનથી રાજકીય ગરમાવો તેજ બન્‍યો છે.

પોતાના વીડિયો સંદેશમાં વડા-પ્રધાન મોદીએ ભાવુક અંદાજમાં જણાવ્‍યું હતું કે મહિલા અનામત માટેની લડાઈ દાયકાઓથી ચાલી રહી છે અને તેઓ પોતે પણ લાંબા સમયથી આ દિશામાં સતત પ્રયત્‍નશીલ છે. દેશની અનેક બહેનોએ પત્રો લખીને આ અંગે પોતાની લાગણી વ્‍યક્‍ત કરી હોવાનું જણાવી પીએમ મોદીએ દેશની દરેક મહિલાને ખાતરી આપી હતી કે સરકારનો સંકલ્‍પ અટલ અને સાહસ મજબૂત છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા ઉમેર્યું હતું કે વિરોધી પક્ષો ગમે તેટલા અવરોધો ઊભા કરે, પરંતુ નારી શક્‍તિને તેમનો હક અપાવવા માટે સરકાર યોગ્‍ય સમયની રાહ જોઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સંસદે સપ્‍ટેમ્‍બર ૨૦૨૩માં લોકસભા અને રાજ્‍ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા  અનામત આપતો ‘નારી શક્‍તિ વંદન કાયદો' પસાર કર્યો હતો, પરંતુ તેનો અમલ આગામી વસ્‍તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડાયેલો હોવાથી વિલંબમાં પડ્‍યો હતો. અગાઉ એપ્રિલ ૨૦૨૬ના વિશેષ સત્રમાં સરકારે આ કાયદાના વહેલા અમલ માટે બંધારણીય સુધારા પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો, પરંતુ લોકસભામાં જરૂરી બે-તળતીયાંશ બહુમતી ન મળતાં તે પસાર થઈ શકયો નહોતો. વિપક્ષી દળોએ મહિલા અનામતને બદલે સીમાંકન અને મતવિસ્‍તારોના પુનર્ગઠનથી રાજ્‍યોના પ્રતિનિધિત્‍વના સંતુલનને અસર થવાની આશંકા વ્‍યક્‍ત કરીને વિરોધ નોંધાવ્‍યો હતો.

વિપક્ષની તમામ શંકાઓનું સમાધાન કરવા અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણી સુધીમાં મહિલા અનામતનો વાસ્‍તવિક અમલ સુનિヘતિ કરવા માટે કેન્‍દ્રીય મંત્રીમંડળે ૨૭ નવેમ્‍બરના રોજ એક નવા બંધારણીય સુધારા પ્રસ્‍તાવને મંજૂરી આપી છે. આ નવી દરખાસ્‍ત મુજબ દેશમાં લોકસભા બેઠકોની મહત્તમ સંખ્‍યા ૮૫૦ અને વિધાનસભા બેઠકોની મહત્તમ સંખ્‍યા ૬૫૦ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સીમાંકન દરમિયાન રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની વર્તમાન બેઠકોમાં ૫૦ ટકાનો વધારો કરાશે. ૨૦૧૧ની વસ્‍તી ગણતરીના આધારે મતવિસ્‍તારોની સીમા નક્કી કરવાની સાથે રાજ્‍યો વચ્‍ચે પ્રતિનિધિત્‍વનો વર્તમાન ગુણોત્તર વર્ષ ૨૦૫૧ સુધી યથાવત રાખવાનો પણ પ્રસ્‍તાવ મૂકાયો છે, જેથી કોઈ રાજ્‍યને અન્‍યાય ન થાય. હવે ૩૦ નવેમ્‍બરથી ૩ ડિસેમ્‍બર દરમિયાન મળનારા સંસદના વિશેષ સત્રમાં આ મહત્‍વપૂર્ણ બિલ પર સૌની નજર ટકી છે.

(3:47 PM IST)