તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 4th July 2026
કાશ્મીર પુસ્તક વિવાદમાં LG મનોજ સિંહાનો સપાટો: ૮ સરકારી અધિકારીઓ સસ્પેન્ડ : પ્રકાશકો પર આજીવન પ્રતિબંધ
સરકારી શાળાઓમાં મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના વખાણ અને કાશ્મીરને ‘ભારત અધિકૃત’ દર્શાવતા પુસ્તકો વહેંચાતા તંત્રમાં ભૂકંપ : IAS અશ્વની કુમારને ૩૦ દિવસમાં તપાસ અહેવાલ સોંપવા આદેશ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શૈક્ષણિક તંત્રમાં દેશવિરોધી સામગ્રી પીરસવાના ગંભીર મામલે ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહાએ અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરી છે. 'સમગ્ર શિક્ષા અભિયાન' અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશની ૧,૮૩૨ સરકારી શાળાઓ અને ૩૯૪ પીએમ શ્રી શાળાઓના પુસ્તકાલયો માટે ખરીદવામાં આવેલા પુસ્તકોમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપતી સામગ્રી મળી આવતા વહીવટીતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ સંવેદનશીલ મામલો સપાટી પર આવતા જ ઉપરાજ્યપાલે ગુનાહિત બેદરકારી દાખવનારા શિક્ષણ વિભાગ અને SCERT ના ૮ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે સમગ્ર શિક્ષાના કમ્પ્યુટર આસિસ્ટન્ટ શેખ સુહેલ અહેમદની કરાર આધારિત સેવાઓ પણ તાત્કાલિક સમાપ્ત કરી દેવામાં આવી છે.
આ સમગ્ર વિવાદ બે ચોક્કસ પુસ્તકોની આસપાસ ફેલાયેલો છે, જેમાં ડૉ. હિલાલ અહેમદ અને સંતોષ મીણા લિખિત "પર્સનલિટીઝ એન્ડ લેજેન્ડ્સ ઓફ જે એન્ડ કે" તેમજ ડૉ. સુશાંત ગિરી લિખિત "ગ્રેટ પર્સનાલિટીઝ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર" સામેલ છે. નવાઈની વાત એ છે કે, આ પુસ્તકોની વિગતવાર પસંદગી માટે પ્રશાસન દ્વારા નિષ્ણાતો અને શિક્ષણવિદોની ચાર સત્તાવાર પેટા-સમિતિઓ બનાવવામાં આવી હતી, જેમણે ગંભીર ક્ષતિઓ તરફ આંખ આડા કાન કરીને આ વાંધાજનક સામગ્રીને લીલી ઝંડી આપી દીધી હતી. વિધાન સભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ અંગે અત્યંત આકરા પ્રહારો કરતા ખુલાસો કર્યો છે કે, આ પુસ્તકોમાં ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદની પ્રશંસા કરવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીરને "ભારત-અધિકૃત કાશ્મીર" તરીકે સંબોધવામાં આવ્યું છે, જે ભારતીય સંપ્રભુતા પર સીધો પ્રહાર છે.
આ દેશદ્રોહી કૃત્યની ગંભીરતાને જોતાં સરકારે ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ તમામ વિવાદાસ્પદ પુસ્તકો શાળાઓમાંથી તાત્કાલિક પાછા ખેંચવાનો કડક આદેશ જારી કર્યો હતો. આ ઘટના પાછળના મૂળ સુધી પહોંચવા અને જવાબદારોની આકરી કાનૂની શિખામણ માટે અધિક મુખ્ય સચિવ અશ્વની કુમાર (IAS) ની તપાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેઓ આગામી ૩૦ દિવસમાં પોતાનો વિગતવાર અહેવાલ સરકારને સબમિટ કરશે. આ સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે વિવાદાસ્પદ સામગ્રી લખનારા તમામ લેખકો અને પબ્લિશર્સ પર આજીવન પ્રતિબંધ મૂકીને તેમને બ્લેકલિસ્ટ કરી દીધા છે, જેથી ભવિષ્યમાં કાશ્મીરની નવી પેઢીના નિર્દોષ મગજમાં આવું રાષ્ટ્રવિરોધી ઝેર ઘોળવાનો કોઈ દુઃસાહસ ન કરી શકે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
