News of Wednesday, 18th November 2026
હોર્મુઝ સ્ટ્રેટ નજીક 3 ભારતીય નાવિકો સાથે જતા લાઈબેરિયાના ક્રૂડ ઓઈલ ટેન્કર પર પ્રોજેક્ટાઈલ હુમલો
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને એક અધિકારીને તપાસ માટે હોસ્પિટલ ખસેડાયા

હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ દરિયાઈ જહાજો પર હુમલાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી, અને બુધવારે ભારતીય નાવિકોને લઈને જઈ રહેલા વધુ એક ઓઈલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ટેન્કર પર પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લાઈબેરિયાના ધ્વજ વાળું ક્રૂડ ઓઈલ ટેન્કર MT NAVIG8 MESSI 18 નવેમ્બરે પર્સિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા 17 નવેમ્બરે પણ પનામાના ધ્વજ વાળા એક જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા, જેમાં 24 ભારતીયો સવાર હતા.
ભારતના કેન્દ્રીય જહાજરાની અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ હુમલા અંગે સત્તાવાર જાણકારી આપી છે, જે મુજબ જહાજ પર 3 ભારતીય નાવિકો સવાર હતા. સોનોવાલના જણાવ્યા અનુસાર, 3 ભારતીય નાગરિકો સહિત જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે, જોકે એક ભારતીય અધિકારીને સારવાર અને તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, અને કોઈને ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર નથી. સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, અને નાવિકોની સુરક્ષા, તબીબી સંભાળ તથા કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ જહાજનું સંચાલન કરતી કંપનીના સંપર્કમાં પણ છે, જોકે હુમલા પાછળ કોનો હાથ છે કે જહાજને કેટલું નુકસાન થયું છે તેની વિગતો હજુ જાહેર થઈ નથી.
આ પહેલા 16 નવેમ્બરે પનામાના ધ્વજ વાળા LPG ટેન્કર TARA GAS ને પણ હોર્મુઝ જળડમરુમધ્યમાંથી પસાર થતી વખતે નિશાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેની જાણકારી 17 નવેમ્બરે સામે આવી હતી. આ જહાજ પર 25 સભ્યોના ક્રૂમાં 24 ભારતીય નાગરિકો સામેલ હતા, અને હુમલા બાદ તમામ ભારતીય નાવિકો સુરક્ષિત હોવાનું જણાવાયું હતું, ત્યારે તાજા હુમલાએ ફરી એકવાર આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે.
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગોમાંથી એક છે, કારણ કે વૈશ્વિક તેલ પુરવઠાનો અંદાજે 20 ટકા હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે. ભારત પણ પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો માટે આ દરિયાઈ માર્ગ પર ઘણું નિર્ભર છે, તેથી અહીં જહાજો પર સતત થઈ રહેલા હુમલા ભારતના ઉર્જા હિતો અને દરિયાઈ વેપાર બંને માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
