News of Saturday, 1st August 2026
બિહારની પટણા યુનિવર્સિટીમાં LLB ની પ્રવેશ પરીક્ષાનું પેપર લીક: કડક પોલીસ સુરક્ષા અને ચેકિંગ વચ્ચે વિદ્યાર્થી મોબાઈલ લઈને હોલમાં ઘૂસ્યો, પરીક્ષા રદ કરવાનો વહીવટીતંત્રે કર્યો સ્પષ્ટ ઇનકાર!
જામર બંધ હોવાનો ફાયદો ઉઠાવી વિદ્યાર્થીએ વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કર્યું; સીસીટીવી ફૂટેજથી આરોપીની શોધખોળ શરૂ, પરિણામો પર કોઈ અસર નહીં પડે તેવી યુનિવર્સિટીની સ્પષ્ટતા

પટણા : બિહારમાં વધુ એક સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા વિવાદના વંટોળમાં સપડાઈ છે. પટણા યુનિવર્સિટી દ્વારા શનિવારે આયોજિત LLB પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર પટણા કોલેજ કેન્દ્ર પરથી લીક થતાં ભારે હડકંપ મચી ગયો છે. પરીક્ષા હોલની અંદર તૈનાત કડક સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તપાસના દાવાઓ વચ્ચે એક વિદ્યાર્થી ગેરકાયદેસર રીતે સ્માર્ટફોન સાથે અંદર પ્રવેશવામાં સફળ રહ્યો હતો અને તેણે પરીક્ષા દરમિયાન જ પ્રશ્નપત્રનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
પોલીસ ચેકિંગના ધજાગરા: જામર બંધ હતું ને પેપર લીક થઈ ગયું!
શનિવારે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી પટણા કોલેજ, બીએન કોલેજ અને મગધ મહિલા કોલેજ ખાતે આ પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. પટણા કોલેજ સેન્ટર પર બપોરે ૧૨:૦૨ વાગ્યે પ્રશ્નપત્ર વોટ્સએપ પર વાયરલ થઈ ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, પરીક્ષા સેન્ટરના મુખ્ય ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યક્તિગત ચેકિંગ છતાં વિદ્યાર્થી મોબાઈલ લાવવામાં કેવી રીતે સફળ થયો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા મુજબ, જે સમયે પેપર વાયરલ થયું ત્યારે કેન્દ્રનું ઇલેક્ટ્રોનિક જામર બંધ હતું. માહિતી મળતાં જ તાત્કાલિક જામર ચાલુ કરવામાં આવ્યું હતું.
આરોપી વિદ્યાર્થી ફરાર, સીસીટીવી ફૂટેજથી ઓળખ મેળવવાની કવાયત
ઘટનાની જાણ થતાં જ કોલેજ પ્રશાસને ત્વરિત પગલાં લીધાં હતાં. જોકે, પેપર વાયરલ કરનાર ચતુર વિદ્યાર્થી તકનો લાભ ઉઠાવીને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. યુનિવર્સિટી પરીક્ષા નિયંત્રક પ્રો. બી.કે. લાલે જણાવ્યું હતું કે, અન્ય શંકાસ્પદ વિદ્યાર્થીઓના મોબાઈલ ચેક કરવામાં આવ્યા હતા પરંતુ તેમની પાસે કોઈ પુરાવા મળ્યા નથી. હાલ પરીક્ષા ખંડના CCTV ફૂટેજ ચકાસીને વાયરલ કરનાર મુખ્ય દોષિત વિદ્યાર્થીની ઓળખ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.
પરીક્ષા રદ નહીં થાય: યુનિવર્સિટી વહીવટીતંત્રનો દાવો
વિદ્યાર્થીઓમાં ફેલાયેલી અફવાઓ અને નારાજગી વચ્ચે યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક પ્રો. બી.કે. લાલે સ્પષ્ટતા કરી છે કે, પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે પ્રશ્નપત્ર પરીક્ષા પૂરી થવાની માત્ર ૨૮ મિનિટ પહેલાં વાયરલ થયું હતું અને જામર સક્રિય કરાતાં પરીક્ષા હોલની અંદર જવાબો કે સોલ્યુશન પહોંચી શક્યા નહોતા. આથી સામાન્ય અને મહેનતુ વિદ્યાર્થીઓને કોઈ અન્યાય થયો નથી. બીએન કોલેજ અને મગધ મહિલા કોલેજ ખાતે પરીક્ષા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
