<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

લંડન એરપોર્ટ પર સાયબર એટેકના એલર્ટથી હડકંપ: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ટીમની ફ્લાઈટ સ્વિટ્ઝર્લેન્ડ ડાયવર્ટ, મોટી દુર્ઘટના ટળી!

હિથ્રો એરપોર્ટ પર ઈમરજન્સીના કારણે ૧૨૦૦ ફ્લાઈટ્સ પ્રભાવિત; બ્રિટિશ સંસદમાં શિંદેને 'કોમનવેલ્થ પબ્લિક લીડરશીપ' સહિતના આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સથી સન્માનિત કરાશે

લંડન : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના લંડન પ્રવાસ દરમિયાન એક મોટી વિમાન દુર્ઘટના અને સુરક્ષા વિઘ્ન ટળ્યું છે. બ્રિટિશ સંસદમાં આંતરરાષ્ટ્રીય સન્માન સ્વીકારવા માટે લંડન જઈ રહેલા એકનાથ શિંદેના કાફલાની ફ્લાઈટને લંડનના હિથ્રો એરપોર્ટ પર સાયબર હુમલાની આશંકા અને ટેકનિકલ એલર્ટના કારણે તાત્કાલિક સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિખ (Zurich) ખાતે ડાયવર્ટ કરવી પડી હતી.

 

૬ અધિકારીઓની ટીમ ઝ્યુરિખમાં અટવાઈ:

 

નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પોતે અલગ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં હોવાથી તેઓ નિર્ધારિત સમયે લંડન પહોંચી ગયા હતા. જોકે, તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને ફોટોગ્રાફર સહિત છ અધિકારીઓની ટીમ જે ફ્લાઈટમાં હતી, તેને ઝ્યુરિખ ડાયવર્ટ કરવામાં આવતા તેઓ ત્યાં અટવાઈ પડ્યા હતા. લંડન હિથ્રો એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા સાયબર એટેકની શંકાને પગલે તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જારી કરીને અંદાજે ૧૨૦૦ જેટલી ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરાઈ હતી. સ્થિતિ સામાન્ય થતાં શિંદેની ટીમને સવારે ૭ વાગ્યે ઝ્યુરિખથી ફરી લંડન રવાના કરવામાં આવી હતી.

 

બ્રિટિશ સંસદમાં એકનાથ શિંદેનું ભવ્ય બહુમાન:

 

આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન બ્રિટિશ સંસદના 'હાઉસ ઓફ લોર્ડ્સ' ખાતે યુકે એશિયન બિઝનેસ કાઉન્સિલ દ્વારા શિંદેને 'કોમનવેલ્થ પબ્લિક લીડરશીપ રેકગ્નિશન' એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, 'હાઉસ ઓફ કોમન્સ' ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ક્લેવ ૨૦૨૬માં તેમને 'સ્ટેટ્સમેનશિપ એવોર્ડ'થી નવાજવામાં આવશે. મહારાષ્ટ્રમાં તેમણે શરૂ કરેલી 'મુખ્ય પ્રધાન માઝી લાડકી બહેન યોજના', 'શાસન આપલ્યા દારી' અને 'મુખ્ય પ્રધાન યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના'ના સફળ અમલીકરણ માટે આ વૈશ્વિક સન્માન આપવામાં આવી રહ્યું છે.

 

'ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર'થી કરાશે સન્માનિત:

 

પોતાના પ્રવાસ દરમિયાન એકનાથ શિંદે ૯૪ વર્ષનો ઐતિહાસિક વારસો ધરાવતા લંડનના 'મહારાષ્ટ્ર ભવન'ની પણ વિશેષ મુલાકાત લેશે. લંડન મહારાષ્ટ્ર મંડળ દ્વારા રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસમાં આપેલા અસાધારણ યોગદાન બદલ તેમને 'ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

 

(7:34 PM IST)