News of Thursday, 16th July 2026
ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારતીય સંસ્કૃતિ, એકતા અને લોકકલ્યાણનું જીવંત પ્રતીક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરિવાર સાથે અમદાવાદમાં મંગળા આરતીનો લાભ લીધો
અષાઢી બીજના પાવન પર્વે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર, ગુજરાત અને દેશવાસીઓને રથયાત્રા તેમજ કચ્છી માડુઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા લોકપ્રિય સાંસદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'વિકાસ પણ અને વિરાસત પણ'ના મંત્ર સાથે દેશ પ્રગતિના પંથે હોવાનો વ્યક્ત કરાયો વિશ્વાસ

ગાંધીનગર: ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આસ્થા, સંસ્કૃતિ અને ભક્તિના અલૌકિક પાવન પર્વ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના શુભ અવસરે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, સમગ્ર ગુજરાત તથા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે અષાઢી બીજના પાવન અવસરે દેશ-વિદેશમાં વસતા તમામ કચ્છી માડુઓને પણ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પરિવાર સાથે ઉપસ્થિત રહીને વહેલી સવારે પરંપરાગત મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે ભગવાન જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રાના ચરણોમાં શીશ ઝુકાવીને સર્વે નાગરિકોના સુખી, સ્વસ્થ, સમૃદ્ધ અને સુરક્ષિત જીવનની સાથે-સાથે ભારતના સર્વાંગી વિકાસ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસર પર મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા અંગે તેમણે ઊંડો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ દિવ્ય પ્રસંગે મીડિયા સમક્ષ વાતચીત કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર કોઈ સામાન્ય ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, સામાજિક સમરસતા, સેવા, પરસ્પર એકતા અને લોકકલ્યાણના ઉચ્ચ મૂલ્યોનું એક અનન્ય અને જીવંત પ્રતીક છે. ભારતની આ અતિ પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા તેમજ તેને નવી પેઢી સુધી ગૌરવભેર પહોંચાડવાનો સંકલ્પ આજે દેશના ભવ્ય વિકાસ સાથે સમાંતર રીતે આગળ વધી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપા સરકાર "વિકાસ ભી, વિરાસત ભી" ના મૂળ ધ્યેયમંત્ર સાથે આગળ વધી રહી છે. સરકાર આધુનિક વિકાસની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિ, ભવ્ય વારસા, ઐતિહાસિક સ્થળો અને તમામ આધ્યાત્મિક કેન્દ્રોના યોગ્ય જતન, સંવર્ધન તેમજ સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્ય કરી રહી છે. આ દિવ્ય અવસર આપણને સૌને આત્મિક શાંતિ, નવી ઊર્જા અને નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રસેવા કરવાની અદભુત પ્રેરણા પૂરી પાડે છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી દેશ પ્રગતિના માર્ગે સતત અગ્રેસર રહે, પ્રત્યેક નાગરિકનું જીવન સુખમય બને અને ભારત સમગ્ર વિશ્વમાં વધુ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે તેવી મંગલ કામના મીડિયા પ્રભારી ડૉ. બિમલ જોષી દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં વ્યક્ત કરવામાં આવી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
