<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બ્રિટનમાં કામ કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સની લોટરી લાગી! ભારત-યુકે વચ્ચે થયો ઐતિહાસિક કરાર; ૯૫% વ્યાવસાયિકોને મળશે ડબલ ટેક્સમાંથી મુક્તિ

૧૫ જુલાઈથી અમલમાં આવશે નવો નિયમ; દર વર્ષે સામાજિક સુરક્ષામાં જવાબા અડધા અબજ ડોલર બચશે, TCS-ઈન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓનો ખર્ચ ઘટતા ગ્લોબલ માર્કેટમાં દબદબો વધશે.

લંડન : બ્રિટનમાં કાર્યરત ભારતીય આઈટી (IT) કંપનીઓ અને ત્યાં કામ કરતા હજારો વ્યાવસાયિકો માટે એક બહુ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત અને યુકે વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટો બાદ આખરે સામાજિક સુરક્ષા કરાર (Social Security Agreement) અથવા ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન (DCC) ની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ૧૫ જુલાઈથી અમલમાં આવી રહેલા આ ઐતિહાસિક કરારથી બ્રિટનમાં ભારતીય કંપનીઓ માટે કામ કરતા આશરે ૯૦ થી ૯૫ ટકા પ્રોફેશનલ્સને સીધો આર્થિક ફાયદો થશે. આ પગલાથી ભારતીય કંપનીઓનો ઓપરેટિંગ ખર્ચ ઘટશે અને યુકેના માર્કેટમાં ભારતીય સર્વિસ પ્રોવાઈડર્સની સ્પર્ધાત્મકતા (Competitiveness) માં ધરખમ વધારો થશે.

૫ વર્ષ સુધી સામાજિક સુરક્ષા ટેક્સમાંથી મુક્તિ: કમાણીમાં મોટો ફાયદો!

આ નવા કરારની સૌથી મોટી અને મુખ્ય વિશેષતા એ છે કે, જો કોઈ ભારતીય આઈટી કંપની (જેમ કે TCS, ઈન્ફોસિસ કે વિપ્રો) પોતાના કર્મચારીને અસ્થાયી ધોરણે (Temporary Assignment) ભારતથી યુકે મોકલે છે, તો તે કર્મચારીને ૫ વર્ષ સુધી યુકેમાં સામાજિક સુરક્ષા (Social Security) માટે કોઈ યોગદાન ચૂકવવું પડશે નહીં. શરત માત્ર એટલી જ છે કે તે કર્મચારીનું યોગદાન ભારતમાં ચાલુ હોવું જોઈએ અને કંપનીએ તેના માટે 'કવરેજનું પ્રમાણપત્ર' (Certificate of Coverage) રજૂ કરવું પડશે. અત્યાર સુધી બ્રિટનમાં નિયમ એવો હતો કે લગભગ ૧૦ વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ જ કોઈ વ્યક્તિ ત્યાં સામાજિક સુરક્ષાના લાભો માટે પાત્ર બનતી હતી, જેના કારણે ૫ વર્ષ માટે જતા ભારતીયોના પૈસા વસૂલ થતા નહોતા.

દર વર્ષે અડધો અબજ ડોલરનો બૂસ્ટર ડોઝ

એક અંદાજ મુજબ, હાલમાં આશરે ૭૫,૦૦૦ જેટલા ભારતીય આઈટી વ્યાવસાયિકો બ્રિટનમાં કાર્યરત છે અને ૯૦૦થી વધુ ભારતીય કંપનીઓ ત્યાં પોતાનો બિઝનેસ ચલાવે છે. યુકેમાં એક ભારતીય પ્રોફેશનલનો સરેરાશ વાર્ષિક પગાર GBP ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ (આશરે ૪૦ થી ૫૦ લાખ રૂપિયા) છે, જેમાંથી અંદાજે ૧૫ ટકા રકમ સામાજિક સુરક્ષા ટેક્સ પેટે કપાતી હતી. આ કરાર બાદ ભારતીય મૂળના વ્યાવસાયિકો દ્વારા દર વર્ષે યુકે સામાજિક સુરક્ષામાં જમા થતા આશરે ૦.૫ બિલિયન યુએસ ડોલર (અડધો અબજ ડોલર) ની બચત થશે. જોકે, આ મુક્તિ માત્ર ભારતીય કંપનીઓ દ્વારા મોકલાયેલા કર્મચારીઓ માટે જ છે, બ્રિટનની સ્થાનિક કે અન્ય વિદેશી કંપનીઓમાં સીધી નોકરી કરતા ભારતીયોને આનો લાભ મળશે નહીં.

"૧૫ જુલાઈથી લાગુ થઈ રહેલો આ નવો નિયમ ભારતની વર્ષો જૂની માંગણીનો સ્વીકાર છે. આનાથી ભારત અને યુકે વચ્ચેના વેપાર સંબંધો મજબૂત થશે અને બંને દેશોના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સેવા ક્ષેત્રોને નવું બળ મળશે."

— ઉદ્યોગ જગતના વરિષ્ઠ અધિકારી

ભારતીય આઈટી ઉદ્યોગ માટે યુકે કેમ મહત્વનું છે?

તમને જણાવી દઈએ કે, ભારતનો આઈટી ઉદ્યોગ આશરે ૨૮૩ અબજ ડોલરનો છે, જેમાં યુકે સમગ્ર વિશ્વમાં ભારત માટે બીજા નંબરનું સૌથી મોટું નિકાસ બજાર (Export Market) છે. ભારતની કુલ આઈટી નિકાસમાં બ્રિટનનો હિસ્સો ૧૭ ટકા જેટલો મોટો છે. વર્ષ ૨૦૨૪ ના આંકડા પર નજર કરીએ તો, ભારતની યુકેમાં સર્વિસ સેક્ટરની નિકાસ ૨૧.૬ અબજ ડોલર હતી, જ્યારે આયાત ૧૩.૭ અબજ ડોલર રહી હતી. આ નવા ઐતિહાસિક કરારથી ભારત-યુકેના વ્યાપારી સંબંધો નવી ઊંચાઈ પર પહોંચશે તે નક્કી છે.

(7:02 PM IST)