<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

દુબઈમાં રહેતા પ્રવાસીઓ અને ભાડૂતો માટે લોટરી લાગી: હવે વર્ષ આખાનું ભાડું અગાઉથી ચૂકવવાની પળોજણમાંથી મુક્તિ, સરકાર લાવી 'ફ્લેક્સી રેન્ટ' સ્કીમ

ચેક આપવાની પરંપરાગત સિસ્ટમનો અંત; હવે મોબાઈલ રિચાર્જની જેમ દર મહિને ક્રેડિટ-ડેબિટ કાર્ડ કે ઓટો-ડેબિટથી ચૂકવી શકાશે ઘરનું ભાડું, DLD એ 12 મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે કર્યા કરાર

દુબઈ : વિશ્વના સૌથી લોકપ્રિય અને મોંઘા શહેરોમાંના એક એવા દુબઈમાં રહેતા લાખો પ્રવાસીઓ અને સ્થાનિક ભાડૂતો માટે ત્યાંની સરકારે એક ઐતિહાસિક અને અત્યંત રાહત આપનારો નિર્ણય લીધો છે. દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (DLD) દ્વારા સત્તાવાર રીતે 'ફ્લેક્સી રેન્ટ' (Flexi Rent) પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ હવે ભાડૂતોએ ઘર કે ઓફિસનું વાર્ષિક ભાડું મોટી રકમ તરીકે અગાઉથી ચૂકવવું નહીં પડે, પરંતુ તેઓ પોતાની સગવડ મુજબ માસિક (Monthly), ત્રિમાસિક (Quarterly) કે અર્ધ-વાર્ષિક હપ્તામાં ભાડાની ચૂકવણી કરી શકશે.

જૂની ચેક સિસ્ટમમાંથી મળશે આઝાદી

દુબઈમાં અત્યાર સુધી લાંબા સમયથી પરંપરાગત ચેક-આધારિત ભાડા મોડેલ અમલમાં હતું. આ સિસ્ટમ હેઠળ ભાડૂતોએ આખા વર્ષનું ભાડું એકથી ચાર પોસ્ટ-ડેટેડ ચેક (Post-Dated Cheques) દ્વારા અગાઉથી જ ચૂકવી દેવું પડતું હતું, જે મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક રીતે મોટો બોજ સમાન હતું. સરકારના આ નવા ક્રાંતિકારી પગલાથી બજારનું આધુનિકીકરણ થશે અને ભાડૂતોની વિકસતી જરૂરિયાતો પૂરી થશે.

નવી સ્કીમ કેવી રીતે કામ કરશે અને શું ફાયદા થશે?

· હાલના ભાડૂતો માટે પણ તક: જો મકાનમાલિક સંમત થાય, તો હાલમાં જૂના કરાર પર રહેતા ભાડૂતો પણ આ નવી લવચીક હપ્તા સિસ્ટમમાં સ્વિચ થઈ શકે છે.

· આકર્ષક પ્રોત્સાહનો: આ પ્રોગ્રામ અંતર્ગત ભાડૂતોને આકર્ષવા માટે શરૂઆતમાં ગ્રેસ પિરિયડ (ભાડા વગરના થોડા દિવસો), વહીવટી ફીમાં માફી અને ફિક્સ ભાડા દર જેવી પ્રમોશનલ ઑફર્સ પણ આપવામાં આવશે.

· ડિજિટલ પેમેન્ટ ઓપ્શન્સ: હવે ભાડું ચૂકવવા માટે માત્ર ચેક પર નિર્ભર રહેવું નહીં પડે. નાગરિકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઓટોમેટેડ ડાયરેક્ટ ડેબિટ સિસ્ટમ દ્વારા સરળતાથી ઓનલાઈન ચૂકવણી કરી શકશે.

સરકારે ટેકનોલોજીનું માળખું કર્યું મજબૂત

આ યોજનાને સો ટકા સફળ બનાવવા માટે દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટે તેની સત્તાવાર 'ઇજારી' (Ejari) ટેનન્સી સિસ્ટમને પ્રખ્યાત ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ 'નોકોડી' (Noqodi) ની ડાયરેક્ટ ડેબિટ સિસ્ટમ સાથે જોડી દીધી છે. આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સરકારે દુબઈની નામચીન 12 રિયલ એસ્ટેટ કંપનીઓ જેવી કે વસલ પ્રોપર્ટીઝ (Wasl Properties), દૈયાર પ્રોપર્ટી મેનેજમેન્ટ, ડ્રિવન પ્રોપર્ટીઝ અને હાર્બર રિયલ એસ્ટેટ સાથે એમઓયુ (MoU) સાઈન કર્યા છે.

આ આધુનિક પરિવર્તનથી શરૂઆતમાં મકાનમાલિકોએ પોતાના રોકડ પ્રવાહ (Cash-Flow) ના સંચાલનમાં થોડા ફેરફાર કરવા પડશે, પરંતુ લોંગ ટર્મમાં આ સ્કીમ દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટને વધુ ગતિશીલ અને ગ્રાહક-લક્ષી બનાવશે.

 

(6:12 PM IST)