News of Wednesday, 15th July 2026
રિક્ષા ડ્રાઈવરના પ્રેમ માટે પતિનો ખેલ જ ખતમ કરી નાખ્યો
સિયાથી પણ ખતરનાક નીકળી સુનીતા : એક પરિણીતાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કર્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છેઃ પતિના વિરોધથી કંટાળીને પત્નીએ પ્રેમી સાથે મળી રચેલું કાવતરું ૧૧ મહિના સુધી છુપાયેલું રહ્યું : આરોપીઓએ મૃતદેહના ત્રણ ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસે કોલ ડિટેલ્સના આધારે આ જઘન્ય હત્યાકાંડનો પર્દાફાશ કરી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે

મહારાષ્ટ્રના નવી મુંબઈ વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે આખા રાજ્યને હચમચાવી દીધું છે. રબાલે એમઆઈડીસી પોલીસે ૧૧ મહિના પહેલા બનેલા એક રહસ્યમય હત્યાકાંડનો પર્દાફાશ કરી એક એવી સચ્ચાઈ બહાર લાવી છે જે કોઈના પણ રૂંવાડા ઉભા કરી દે તેવી છે. એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવા માટે જે ક્રૂર રસ્તો પસંદ કર્યો, તે દિલ્હીના શ્રદ્ધા વાકર હત્યાકાંડની ભયાનક યાદોને તાજી કરી દે છે.
આ હત્યાકાંડના મૂળમાં એક ગેરકાયદે પ્રેમ સંબંધ હતો. આરોપી સુનિતા કુશવાહા (૪૦) ના તેના ઘરની નજીક જ રહેતા ઓટો રિક્ષા ચાલક રાહુલ પ્રજાપતિ (૩૦) સાથે અનૈતિક સંબંધો હતા. સુનિતાનો પતિ બલિરામ સૂર્યનાથ કુશવાહા (૫૦) આ સંબંધથી વાકેફ હતો અને સતત તેનો વિરોધ કરતો હતો. પતિનો આ વિરોધ સુનિતા અને રાહુલ માટે કંટક બની ગયો હતો, જેને દૂર કરવા માટે તેમણે એક એવું કાવતરું રચ્યું જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
આરોપીઓએ હત્યા માટે ૯ ઓગસ્ટ ૨૦૨૫ ની રાત પસંદ કરી હતી. કોઈ સાક્ષી ન રહે તે માટે સુનિતાએ ખૂબ જ ચાલાકીથી પોતાના બંને બાળકોને તેમની માસીના ઘરે મોકલી દીધા હતા. જ્યારે બલિરામ ઘરમાં ગાઢ નિદ્રામાં હતો, ત્યારે પત્ની સુનિતા અને પ્રેમી રાહુલે મળીને તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. મૃત્યુ પછી, તેમણે કોઈને ખબર ન પડે તે રીતે અત્યંત ધારદાર હથિયાર વડે બલિરામના મૃતદેહના ત્રણ ટુકડા કરી નાખ્યા.
હત્યા કર્યા બાદ, આ બંનેએ લાશના ટુકડાઓને પ્લાસ્ટિકની કોથળીઓમાં અને ચાદરોમાં લપેટી દીધા. રાહુલ પ્રજાપતિએ પોતાની ઓટો રિક્ષામાં આ કોથળીઓ ભરી અને રાતના અંધારામાં ગાવલી દેવ (Gavali Dev) પહાડીના જંગલ વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં તેમણે અલગ-અલગ ત્રણ જગ્યાએ લાશના ટુકડા ફેંકી દીધા જેથી કોઈને પણ શંકા ન જાય. ત્યારબાદ સુનિતા પોતાના બાળકો સાથે ઘન્સોલી (Ghansoli) વિસ્તારમાં રહેવા ચાલી ગઈ અને લોકોને એમ જ કહ્યું કે બલિરામ ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે.
આ ક્રૂર હત્યાકાંડનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે મૃતકના ભાઈએ એપ્રિલ ૨૦૨૬ માં લાંબા સમયથી બલિરામનો સંપર્ક ન થતાં રબાલે પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી અને સુનિતા તથા રાહુલના કોલ ડિટેલ્સ (CDR) તપાસ્યા. બંનેએ હત્યા બાદ પોતાના મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા, જે પોલીસ માટે સૌથી મોટો પુરાવો બન્યો. જ્યારે પોલીસની ટીમે બંનેને અલગ-અલગ પૂછપરછ માટે બોલાવ્યા, ત્યારે બંનેના નિવેદનોમાં રહેલી વિસંગતતાને કારણે તેમનો ભાંડો ફૂટી ગયો. પૂછપરછ દરમિયાન પોલીસના દબાણ સામે બંનેના મોઢેથી આખું સત્ય બહાર આવ્યું.
હાલમાં, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને ૭ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસની એક ખાસ ટીમ ગાવલી દેવના જંગલોમાં આજે પણ કંકાલના અવશેષો અને હત્યામાં વપરાયેલા હથિયારો શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કઈ હદ સુધી માનવીય સંબંધો પતિત થઈ શકે છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
