News of Thursday, 30th April 2026
LPGથી લઈને ATM સુધી... ૧ મેથી થશે ૫ મોટા ફેરફારઃ તમારા ખિસ્સા પર થશે અસર
નવા મહિનાના સૂર્યોદય સાથે અમલી બનશે નવા આર્થિક અને ડિજિટલ નિયમો, જેની સીધી અસર મધ્યમ વર્ગના બજેટ અને નાણાકીય વ્યવહારો પર પડશે

નવી દિલ્હી, તા.૩૦: નવું નાણાકીય વર્ષ વેગ પકડી રહ્યું છે ત્યારે ૧ મે, ૨૦૨૬ થી સામાન્ય જનતાના બજેટમાં મોટા ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા આદેશોથી લઈને ગેસ સિલિન્ડરના ભાવ અને બેંકિંગ મર્જર સુધીના નિર્ણયો હવે સીધી રીતે તમારા બેંક બેલેન્સને અસર કરશે. ખાસ કરીને ડિજિટલ મનોરંજન અને ગ્રામીણ બેંકિંગ ક્ષેત્રે આવનારા આ ફેરફારો મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ઓનલાઈન ગેમિંગના શોખીનો માટે હવે નિયમોની ગેમ શરૂ થઈ રહી છે. ૧ મે થી ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સક્રિય થતા, હવે ગેમ્સને મની ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સ જેવી શ્રેણીઓમાં વહેંચવામાં આવશે. આ નવા કાયદા હેઠળ હાઈ-રિસ્ક પ્લેટફોર્મ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે અને બાળકો પર દેખરેખ રાખવા માટે પેરેંટલ કંટ્રોલ જેવા કડક ફીચર્સ અમલી બનશે. આ પગલું યુઝર્સને નાણાકીય જોખમોથી બચાવવા માટે લેવામાં આવ્યું છે, જે ગેમિંગ ઉદ્યોગમાં મોટી પારદર્શિતા લાવશે.
બેંકિંગ ક્ષેત્રે પણ ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે, કારણ કે ATM ઇન્ટરચેન્જ ફી રૂ.૨૧ થી વધીને રૂ.૨૩ કરવામાં આવી છે. મફત મર્યાદા પૂરી થયા પછી હવે રોકડ ઉપાડવી મોંઘી પડશે. બીજી તરફ, એક રાજ્ય-એક RRB યોજના હેઠળ ૧૧ રાજ્યોની ૧૫ ગ્રામીણ બેંકોનું મર્જર થતાં બેંકિંગ સેવાઓનું માળખું બદલાશે. જોકે, રોકાણકારો માટે સારા સમાચાર એ છે કે શ્રીરામ ફાઇનાન્સ જેવી સંસ્થાઓ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને FD પર વધારાનું વ્યાજ આપી રહી છે, જ્યારે RBL બેંક હવે દર મહિને વ્યાજની ચુકવણી કરશે.
રસોડાના બજેટમાં પણ ફેરફાર નિヘતિ છે, કારણ કે દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના નવા ભાવો જાહેર થાય છે. આ વખતે ભાવ વધારાની શકયતા સાથે બુકિંગના નિયમો પણ કડક બન્યા છે, જેમાં શહેરી વિસ્તારોમાં બીજા સિલિન્ડર માટે ૨૫ દિવસની ફરજિયાત રાહ જોવી પડશે. આ તમામ ફેરફારો સૂચવે છે કે મે મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય નાગરિકોએ તેમના માસિક ખર્ચનું આયોજન વધુ સાવચેતીપૂર્વક કરવું પડશે
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
