<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

યુપીમાં 4 પોલીસ જવાનો સાથે ૮ થી ૧૦ ટકા ઉંચા વળતરની લાલચ આપી 25 લાખની ઓનલાઈન ઠગાઇ

ડિજિટલ દુનિયામાં સાવચેતી ન રાખવામાં આવે તો, કોઈ પણ વ્યક્તિ ભોગ બની શકે છે.

લખનૌઃ  સાયબર ગુનેગારો હવે પોતાના સીમાડા વધારી રહ્યા છે. સાયબર ઠગબાજો પોલીસકર્મચારીઓને પણ શિકાર બનાવી રહ્યા છે. આવી જ ઘટના ઉત્તરપ્રદેશમાં સામે આવી છે. સાયબર ગુનેગારોએ ઉત્તર પ્રદેશમાં ચાલાકીથી ચાર પોલીસ કર્મચારીઓને ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો ભોગ બનાવ્યા છે. આ ભેજાબાજોએ પોલીસ જવાનો પાસેથી આશરે 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ હાઈપ્રોફાઈલ મામલામાં હવે સાયબર સેલે તપાસ કરીને લખનઉથી ચાર રીઢા ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. આ ઘટના ઓનલાઈન રોકાણ કરતા તમામ લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે.

સમગ્ર ઘટનામાં સાયબર ઠગોએ યુપી પોલીસના જવાનોને ખોટા રોકાણ પ્લેટફોર્મ પર પૈસા લગાવવા માટે મજબૂર કર્યા હતા. આ ભેજાબાજો Botbro, Crossmarket અને MineCrypto નામના નકલી ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ચલાવતા હતા. તેઓ સામાન્ય લોકોને તેમજ પોલીસ જવાનોને રોકાણ કરેલી રકમ પર 8 થી 10 ટકા સુધીના ઉંચા વળતરની લાલચ આપતા હતા. આ નકલી સ્કીમમાં ફસાયેલા લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી બેઠા હતા.

આ આખા કૌભાંડની તપાસ સોનભદ્ર જિલ્લામાં તૈનાત કોન્સ્ટેબલ દીપક કુમાર વર્માની ફરિયાદ પછી શરૂ થઈ હતી. આ પોલીસ જવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે નકલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે તેમની પાસેથી 10.70 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. સોનભદ્રના પોલીસ અધિક્ષક (SP) અભિષેક વર્મા અને એડિશનલ એસપી ઋષભ રનવાલે આ વિશે માહિતી આપી હતી. બેંકિંગ વ્યવહારો અને ટેકનિકલ તપાસ કરતા માલૂમ પડ્યું કે આ ટોળકીએ કુલ 4 પોલીસ કર્મચારીઓ પાસેથી 25.03 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

બેંક ખાતાના રેકોર્ડ્સ અને ટેકનિકલ લોકેશનના આધારે પોલીસે લખનઉમાં મોટો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સુફિયાન, મોહમ્મદ દાનિશ, અરશદ સિદ્દીકી અને તુફૈલ ખાન નામના ચાર આરોપીઓની 30 જૂનના રોજ ધરપકડ કરી લીધી હતી. આ તમામ આરોપીઓ લખનઉના રહેવાસી છે. પોલીસે આ ગુનેગારો પાસેથી 5 મોબાઈલ ફોન, 1 લેપટોપ અને ગુનામાં વપરાયેલી 1 ફોર વ્હીલર ગાડી પણ કબજે લીધી છે.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે, તેઓ લોકોને ટૂંકા સમયમાં અસાધારણ નફો મેળવવાની લાલચ આપતા હતા. તેઓ ભોગ બનનાર વ્યક્તિના પૈસા અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા. ત્યારબાદ આ રકમ એટીએમ કે બેંકમાંથી ઉપાડીને આપસમાં વહેંચી લેતા હતા. સાયબર પોલીસે લોકોને અજાણ્યા વોટ્સએપ ગ્રૂપ અને નકલી ટ્રેડિંગ એડવાઈઝથી બચવા માટે ખાસ અપીલ કરી છે.

(2:42 PM IST)