News of Tuesday, 6th October 2026
વૃંદાવનમાં માફિયાઓએ ૧૫ આશ્રમો પર કબજો કર્યો, પ્રેમાનંદ મહારાજનું જીવન જોખમમાં': સંતોના ગંભીર આક્ષેપોથી ખળભળાટ
શિષ્ય રસિક દુલારી શરણના રહસ્યમય મોત બાદ સંતો-હિન્દુ સંગઠનો મેદાનમાં: પ્રેમાનંદ મહારાજ માટે 'Z-પ્લસ' સુરક્ષાની માંગ સાથે સીએમ યોગીને પત્ર લખાયો

વૃંદાવન: ધાર્મિક નગરી વૃંદાવનમાં વિખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત બાદ મોટો વિવાદ ઊભો થયો છે. આ ઘટનાને ૧૫ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી રહસ્ય ઉકેલી શકી નથી, ત્યારે હવે સંતો અને હિન્દુ નેતાઓએ ગંભીર દાવા કરીને ખળભળાટ મચાવી દીધો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ અને હિન્દુ નેતા દિનેશ શર્મા ફલાહારી, સાધ્વી ઇન્દુલેખા અને મહામંડલેશ્વર રાધાનંદ ગિરીએ દાવો કર્યો છે કે સાધુઓના વેશમાં આવેલા અસામાજિક તત્વો અને ભૂ-માફિયાઓએ વૃંદાવનમાં આશરે ૧૫ જેટલા આશ્રમો પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. એટલું જ નહીં, આ તત્વોથી સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર પણ ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે.
સંતો અને સંગઠનોના જણાવ્યા અનુસાર, કેલી કુંજ આશ્રમમાં હવે નકલી સંતો અને ભૂ-માફિયાઓનું વર્ચસ્વ વધી ગયું છે, જેઓ મિલકતોના ખરીદ-વેચાણ અને ગેરકાયદે કબ્જામાં સામેલ છે. આ અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓથી નારાજ થઈને જ પ્રેમાનંદ મહારાજ પોતાના સાચા શિષ્યો સાથે કેલી કુંજ આશ્રમ છોડીને ૨૦ કિલોમીટર દૂર આવેલા બેલવન આશ્રમમાં રહેવા ગયા છે અને ત્યાંથી જ પોતાની તપસ્યા તથા ભક્તિ ચાલુ રાખી છે. સંત પ્રેમાનંદ મહારાજની છબીને કલંકિત કરી રહેલા આ નકલી સંતોના બીજા જૂથથી તેમના પ્રાણને જોખમ હોવાથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને મહારાજશ્રીને તુરંત 'Z-પ્લસ' સુરક્ષા પૂરી પાડવા માંગ કરવામાં આવી છે.
સમગ્ર વિવાદની શરૂઆત ૨૫ સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જ્યારે પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણનું 'ગુરુ કૃપા કુંજ'ના ચોથા માળેથી પડી જતાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના ગુપ્તાંગ કપાયેલા હોવાનું અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે મોત થયું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતકના રૂમમાંથી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મળી આવતા મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. આ બનાવ બાદ અનેક પરિવારોએ પણ પોતાના સ્વજનો ગુમ થયા હોવાના આક્ષેપ સાથે કેલી કુંજ આશ્રમ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે સમગ્ર ધાર્મિક ક્ષેત્રમાં ભારે અશાંતિ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
