News of Wednesday, 17th June 2026
G7 સમિટમાં 'હોટ માઈક'નો જાદુ: મેલોનીનું ધૂમ્રપાન છોડવાનું એલાન, ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર ફિડક અને મેક્રોનની ખોવાયેલી ઘડિયાળનો કિસ્સો
વૈશ્વિક નેતાઓની ગંભીર ચર્ચાઓ વચ્ચે ખુલ્લા માઇક્રોફોને પકડ્યા કેટલાક રમૂજી અને કૌતુકભર્યા સંવાદો; સમિટ દરમિયાન રશિયા-યુક્રેન જેવા ગંભીર મુદ્દાઓ વચ્ચે જોવા મળ્યો હળવાશનો માહોલ.

એવિયન-લેસ-બેન્સ (ફ્રાન્સ) : ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ ખાતે યોજાયેલી G7 સમિટમાં વિશ્વના દિગ્ગજ નેતાઓ વચ્ચેની ગંભીર વાટાઘાટો વચ્ચે કેટલીક એવી ક્ષણો કેમેરા અને માઇક્રોફોનમાં કેદ થઈ ગઈ, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લગભગ ૨૭ મિનિટ સુધી ચાલુ રહેલા આ 'હોટ માઇક' રેકોર્ડિંગમાં નેતાઓની નિખાલસતા અને મૈત્રીપૂર્ણ સંબંધોની ઝલક જોવા મળી હતી. આ ક્ષણોએ રાજદ્વારી મીટિંગના ઔપચારિક માહોલમાં એક અલગ જ રંગ ઉમેરી દીધો હતો.
સૌથી વધુ ચર્ચિત ક્ષણ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની હતી. જ્યારે તેમને ધૂમ્રપાન અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમણે એક મહિના પહેલા જ સિગારેટ છોડી દીધી છે. તેમના આ નિર્ણયને કેનેડા, યુકે, જાપાન અને યુરોપિયન યુનિયનના નેતાઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો. બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ગ્રીનલેન્ડ મુદ્દે ચર્ચામાં રહ્યા. એન્ટોનિયો કોસ્ટા સાથેની વાતચીતમાં ટ્રમ્પે અચાનક 'ગ્રીનલેન્ડ' શબ્દનો ઉલ્લેખ કરીને જૂના વિવાદોને ફરી તાજા કરી દીધા, જેને સાંભળીને ત્યાં હાજર અન્ય નેતાઓ પણ ચોંકી ગયા હતા.
સમિટમાં એક રમુજી ઘટના ત્યારે બની જ્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પોતાની ઘડિયાળ ક્યાંક ભૂલી ગયા. કેનેડાના પીએમ માર્ક કાર્નેએ જ્યારે આ બાબતે મજાક કરી કે "અમારી પાસે તેમની ઘડિયાળ છે", ત્યારે ટ્રમ્પે તરત જ હસતા હસતા કહ્યું, "જો તેઓ ગયા હોય તો મને આપો!" આ વાત સાંભળીને આખા ખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મેલોની વચ્ચેનું ‘મેલોડી’ પુનઃમિલન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં બંને નેતાઓએ તેમની સોશિયલ મીડિયા લોકપ્રિયતા પર હળવી મજાક-મસ્તી કરી હતી.
આ 'હોટ માઈક' મોમેન્ટ્સ સાબિત કરે છે કે વૈશ્વિક નેતાઓ ગમે તેટલા વ્યસ્ત અને ગંભીર મુદ્દાઓથી ઘેરાયેલા હોય, પરંતુ એકબીજા સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અને હળવાશભરી ક્ષણો જ આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ માનવીય બનાવે છે. આ ઘટનાક્રમે G7 સમિટને માત્ર રાજકીય નિર્ણયોના મંચ પૂરતી મર્યાદિત ન રાખતા, એક યાદગાર અનુભવ બનાવી દીધી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
