News of Tuesday, 12th May 2026
કેરળના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં 'મહાભારત': કેસી વેણુગોપાલનું પલ્લું ભારે, ૧૦ માંથી ૭ નેતાઓનું સમર્થન મળતા સતીસન જૂથમાં હડકંપ!
રાહુલ ગાંધીના દરબારમાં કેરળના દિગ્ગજોની પરેડ: પ્રચંડ જીત બાદ પણ CM પદ માટે પેચ ફસાયો, વીડી સતીસને ગૌણ ભૂમિકા સ્વીકારવાનો કર્યો ઇનકાર - જાણો કોણ બનશે કેરળનો નવો સુકાની?

તિરુવનંતપુરમ, તા. ૧૨: કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ (UDF) એ ૧૪૦ માંથી ૧૦૨ બેઠકો જીતીને શાનદાર વાપસી તો કરી, પરંતુ હવે અસલી જંગ પક્ષની અંદર જ શરૂ થયો છે. મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે? આ સવાલનો જવાબ શોધવા માટે દિલ્હીથી લઈને તિરુવનંતપુરમ સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અત્યારે મળતી માહિતી મુજબ, ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી કેસી વેણુગોપાલ આ રેસમાં સૌથી આગળ નીકળી ગયા હોય તેમ જણાય છે.
નેતાઓનો વેણુગોપાલ તરફ ઝુકાવ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરળના વરિષ્ઠ નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. રિપોર્ટ્સ મુજબ, ૧૦ માંથી ૭ વરિષ્ઠ નેતાઓએ કેસી વેણુગોપાલના નામ પર મહોર મારી છે. બીજી તરફ, વીડી સતીસનને માત્ર બે નેતાઓ - કે. મુરલીધરન અને વીએમ સુધીરનનું સમર્થન મળ્યું હોવાનું કહેવાય છે, જ્યારે એક નેતા તટસ્થ રહ્યા છે. રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતા હવે આ રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
વીડી સતીસનનું અડગ વલણ
એક તરફ હાઈકમાન્ડ કેસી વેણુગોપાલ તરફ ઝુકાવ ધરાવે છે, તો બીજી તરફ વીડી સતીસને બગાવતી તેવર બતાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સતીસને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુખ્યમંત્રી સિવાય અન્ય કોઈ પણ પદ કે 'ગૌણ ભૂમિકા' સ્વીકારશે નહીં. રાહુલ ગાંધીએ પક્ષમાં ચાલી રહેલા રોડ શો અને શક્તિ પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી છે અને નેતાઓને શિસ્ત જાળવવા તાકીદ કરી છે.
નવું સમીકરણ અને પડકારો
કેરળમાં યુડીએફની શાનદાર જીત બાદ જનતામાં ભારે ઉત્સાહ છે, પરંતુ નેતૃત્વના મુદ્દે સર્જાયેલો ગતિરોધ પક્ષની છબી ખરડી શકે છે. ભાજપે પણ આ વખતે ૩ બેઠકો જીતીને પોતાનું ખાતું મજબૂત કર્યું છે, ત્યારે કોંગ્રેસ માટે વહેલી તકે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવી અનિવાર્ય બની ગઈ છે. રાહુલ ગાંધી અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો મોટો વર્ગ અત્યારે વેણુગોપાલની તરફેણમાં હોવાથી, ટૂંક સમયમાં જ તિરુવનંતપુરમમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
