News of Wednesday, 29th April 2026
પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મહાકુંભ: બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 89.99% વિક્રમી મતદાન, અગાઉના તમામ રેકોર્ડ તૂટ્યા
બંગાળના રણમેદાનમાં જનતાનો ભારે ઉત્સાહ; હિંસાના કોઈ પણ અહેવાલ વગર શાંતિપૂર્ણ માહોલમાં 'બમ્પર' વોટિંગ, પ્રથમ તબક્કા કરતા પણ આંકડો વધવાની શક્યતા

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના બીજા તબક્કામાં આજે મતદારોએ ઈતિહાસ રચી દીધો છે. રાજ્યની 142 બેઠકો પર યોજાયેલા મતદાનમાં સાંજે 5 વાગ્યા સુધીમાં અધધ 89.99% જેટલું તોતિંગ મતદાન નોંધાયું છે. સવારથી જ પોલિંગ બૂથો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે સાંજ સુધી અવિરત ચાલુ રહી હતી. ચૂંટણી પંચના આંકડા મુજબ, આ વખતે મતદાનનો આંકડો પ્રથમ તબક્કાના રેકોર્ડને પણ વટાવી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ ચૂંટણીની સૌથી મોટી અને નોંધપાત્ર બાબત એ રહી છે કે, સામાન્ય રીતે હિંસા માટે જાણીતા બંગાળના ચૂંટણી જંગમાં આ વખતે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની હિંસક અથડામણના અહેવાલો મળ્યા નથી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને કેન્દ્રીય દળોની હાજરી વચ્ચે અત્યંત શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને યુવા મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.
રાજકીય વિશ્લેષકોના મતે, આટલું ઊંચું મતદાન એ શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે મિશ્ર સંકેતો આપી રહ્યું છે. જ્યારે પણ મતદાનની ટકાવારી આટલી ઊંચી જાય છે, ત્યારે તે પરિવર્તનની લહેર છે કે સત્તાધારી પક્ષ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ, તે જોવું રસપ્રદ રહેશે. બંગાળમાં સવારના 7 વાગ્યાથી જ વોટિંગની ગતિ ઝડપી હતી, જે બપોર પછી વધુ વેગવંતી બની હતી.
ચૂંટણી પંચે આ શાંતિપૂર્ણ અને રેકોર્ડબ્રેક મતદાન બદલ બંગાળની જનતાનો આભાર માન્યો છે. હવે આ 89.99% મતો કોની કિસ્મત ખોલશે અને કોને સત્તાના સિંહાસન પર બેસાડશે, તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ એક વાત નક્કી છે કે બંગાળની જનતાએ લોકશાહીના આ પર્વને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. અત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં આંકડાઓની ગણતરી ચાલુ છે અને અંતિમ ટકાવારી હજુ પણ વધી શકે છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
