News of Saturday, 17th October 2026
મોરબીના મહારાણી સાહેબ રાજમાતા વિજયારાજ કુંવરબાનું ૯૭ વર્ષની વયે નિધન
રાજવી પરિવાર-સમગ્ર પંથકમાં શોકની લાગણી : બોમ્બેથી આજે ચાર્ટર્ડ પ્લેન દ્વારા પાર્થિવદેહ રાજકોટ અને સાંજે મોરબી લાવવામાં આવશે : કાલે અંતિમવિધિ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૧૭ : મોરબી રાજવી પરિવારના મહારાણી સાહેબ (રાજમાતા) વિજયારાજ કુંવરબાનું ૯૭ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી મોરબી રાજ પરિવાર સહિત સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજમાતા વિજયારાજ કુંવરબા બોમ્બે ખાતે હતા ત્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આજે તેમના પાર્થિવદેહને બોમ્બેથી ચાર્ટર પ્લેન દ્વારા રાજકોટ લાવવામાં આવશે અને સાંજના સમયે મોરબી ખાતે લાવવામાં આવશે. મોરબી ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારની વિધિ યોજાશે.
રાજમાતાના નિધનથી રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
મહારાણી સાહેબ રાજમાતા વિજયારાજ કુંવરબા છેલ્લા રાજવી મહેન્દ્રસિંહના ધર્મપત્ની હતા અને તેઓ લંડન અને મુંબઇ ખાતે રહેતા હતા. તેઓને સંતાનમાં ૪ દિકરીઓ, માયાબા, ઉમાબા, સ્વ.પુનાબા અને મીરાબા છે. જયારે પુત્ર સ્વ.મયુરધ્વજસિંહ જાડેજાનું ઘણા સમય પહેલા લંડન ખાતે અવસાન થયું છે.
મહારાણી સાહેબ રાજમાતા વિજયારાજ કુંવરબાને મોરબી પ્રત્યે અપાર લાગણી હતી. તેઓ સુખ- દુઃખમાં સાથે રહેતા હતા. મોરબી જળ હોનારત વખતે લંડનથી દવા ભરીને વિમાન પણ મોકલ્યું હતું. હાલમાં રાજાશાહી શાસન ન હોવા છતા મોરબીના સારા-માઠા પ્રસંગે રાજવી પરિવાર ઉપસ્થિત રહેતો હતો. તેમની નાદુરસ્ત તબીયતના કારણે તેમના દિકરીઓ મોરબીના કાર્યક્રમમાં અવસ્ય હાજર રહેતા હતા.
મહારાણી સાહેબ રાજમાતા વિજયારાજ કુંવરબાના પાર્થીવ દેહને આજે મુંબઇથી મોરબી લાવવામાં આવશે. જયાં આવતીકાલે દર્શનાર્થે રાખવામાં આવ્યા બાદ તેમની અંતિમયાત્રા નિકળશે અને પુર્વજોની સમાધી સ્થળ જુની સ્મશાન ભુમી ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. જો કે સાંજે મુંબઇથી મહારાણી સાહેબના પ્રતિનિધિ આવ્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે. (૪.૧૯)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
