<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

મહારાષ્ટ્રઃ ૧૨ વર્ષથી નાનાં બાળકો એકલા લિફટનો ઉપયોગ નહીં કરી શકે

મહારાષ્ટ્રમાં લિફટના નવા નિયમો

મુંબઈ,તા.૧૮: મહારાષ્ટ્ર સરકારે લિફટની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્‍યમાં લિફટ, એસ્‍કેલેટર અને મૂવિગ વોકના ઉપયોગ માટે નવી નિયમાવલી લાગુ કરવામાં આવી છે. ‘મહારાષ્ટ્ર લિફટ, એસ્‍કેલેટર અને મૂવિગ વોક નિયમાવલી, ૨૦૨૬' ૧ નવેમ્‍બર ૨૦૨૬થી અમલી બની છે. નવા નિયમો અનુસાર, ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માતા-પિતા અથવા વાલીની સાથે જ લિફટ અને એસ્‍કેલેટરનો ઉપયોગ કરી શકશે. આ નિયમ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ પડશે. નવા નિયમો હેઠળ બિલ્‍ડિંગ અને સોસાયટી મેનેજમેન્‍ટની જવાબદારી પણ વધારવામાં આવી છે.

રાજ્‍ય સરકારે લિફટમાં વધતી દુર્ઘટનાઓને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માતા-પિતા અથવા વાલી વિના લિફટ કે એસ્‍કેલેટરનો ઉપયોગ કરી શકશે નહીં. મુંબઈ, પુણે અને નાગપુર સહિત સમગ્ર મહારાષ્ટ્રની રહેણાક ઇમારતોમાં આ નિયમનું પાલન કરવું પડશે.

નવી નિયમાવલી હેઠળ રાજ્‍યમાં ઉપયોગમાં લેવાતી દરેક લિફટ, એસ્‍કેલેટર અને મૂવિગ વોકની નિયમિત તપાસ અને સર્વિસિગ ફરજિયાત કરવામાં આવી છે. બિલ્‍ડિંગ મેનેજમેન્‍ટે તપાસના રિપોર્ટનો રેકોર્ડ રાખવો પડશે. આ ઉપરાંત, લિફટનું સેફટી ઓડિટ કરાવી તેનો રિપોર્ટ ઇલેક્‍ટ્રિકલ ઇન્‍સ્‍પેક્‍ટર પાસે જમા કરાવવો પડશે.

દરેક લિફટ અને એસ્‍કેલેટરની વર્ષમાં ઓછામાં ઓછી એક વખત સુરક્ષા તપાસ કરાવવી અનિવાર્ય છે.લિફટમાં અકસ્‍માત થાય તો ૨૪ કલાકની અંદર સંબંધિત અધિકારીઓને તેની જાણ કરવી પડશે. અકસ્‍માતનો ભોગ બનેલા લોકોને વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રહેણાક સોસાયટીઓએ જરૂરી સુરક્ષા સુવિધાઓ ૨૮ ઓક્‍ટોબર ૨૦૨૭ સુધીમાં ઉપલબ્‍ધ કરાવવાની રહેશે.

 દરેક લિફટમાં CCTV કેમેરા લગાવવો ફરજિયાત.

 દર મહિને લિફટનું સેફટી ઇન્‍સ્‍પેક્‍શન કરાવવું પડશે.

 વર્ષમાં ઓછામાં ઓછું એક વખત સુરક્ષા ઓડિટ ફરજિયાત.

 ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો એકલા લિફટનો ઉપયોગ નહીં કરી શકે.

 ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્‍યક્‍તિ લિફટ ઓપરેટર બની શકશે નહીં.

 લિફટમાં અકસ્‍માત થાય તો ૨૪ કલાકની અંદર જાણ કરવી પડશે.

 લિફટ કે એસ્‍કેલેટર અસુરક્ષિત જણાય તો સમારકામ અને જરૂરી ફેરફાર કરવા સૂચના આપી શકાશે.

 નવી લિફટ લગાવતા પહેલાં ઇલેક્‍ટ્રિકલ ઇન્‍સ્‍પેક્‍ટરની મંજૂરી લેવી પડશે.

 લિફટની જાળવણી માટે માન્‍યતા પ્રાપ્ત કોન્‍ટ્રાક્‍ટરની નિમણૂક કરવી પડશે.

નવા નિયમો હેઠળ હવે લિફટની સુરક્ષા અને જાળવણીની જવાબદારી સોસાયટી મેનેજમેન્‍ટની રહેશે.

(11:27 AM IST)