<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

દેશવ્યાપી NEET કૌભાંડમાં મહારાષ્ટ્ર કનેક્શનનો પર્દાફાશ: એનટીએની પેનલના નિષ્ણાતો અને બ્યુટી પાર્લર સંચાલકોની ટોળકીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરી ક્રૂર મજાક

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પુણે સહિત પાંચ જિલ્લાઓમાં ચાલતા પેપર લીકના આંતરરાજ્ય નેટવર્ક પર સકંજો કસીને મુખ્ય સૂત્રધાર પીવી કુલકર્ણી અને બાયોલોજી લેક્ચરર મનીષા મંધરે સહિત નવ ભેજાબાજોની ધરપકડ બાદ કોર્ટે તમામ આરોપીઓને ૧૦ દિવસની કસ્ટડીમાં મોકલ્યા

નવી દિલ્હી : દેશની સૌથી પ્રતિષ્ઠિત તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG માં થયેલા કથિત પેપર લીક કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ટીમે છેલ્લા ચોવીસ કલાકમાં દેશના અલગ-અલગ સ્થળોએ ઝંઝાવતી દરોડા પાડીને મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ચકચારી કેસમાં એજન્સીએ દિલ્હી મુખ્યાલય ખાતે સઘન પૂછપરછ કર્યા બાદ પુણેની વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષિકા મનીષા ગુરુનાથ મંધરેની સત્તાવાર ધરપકડ કરી છે. આ સાથે જ આ આંતરરાજ્ય કૌભાંડમાં સંડોવાયેલા અને જેલના સળિયા પાછળ ધકેલાયેલા કુલ આરોપીઓનો આંકડો નવ પર પહોંચી ગયો છે, જેના કારણે શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

તપાસ એજન્સીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પકડાયેલી મહિલા શિક્ષિકા મનીષા મંધરે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની એક્સપર્ટ પેનલની સક્રિય સભ્ય હતી અને તેની પાસે વનસ્પતિશાસ્ત્ર તેમજ પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સીધી પહોંચ હતી. મનીષા પુણેમાં પોતાના નિવાસસ્થાનેથી ખાસ કોચિંગ ક્લાસ ચલાવતી હતી અને તેણે પરીક્ષા પહેલા જ પોતાના ખાસ વિદ્યાર્થીઓને સંભવિત પ્રશ્નોના નામે મૂળ પ્રશ્નો નોટબુકમાં લખાવી દીધા હતા. એનટીએના આ જ ઘરમાં બેઠેલા ભેજાબાજોના કારણે લાખો હોંશિયાર વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનું સીબીઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ આખા નેટવર્કની કડીઓ મહારાષ્ટ્રના પાંચ પ્રમુખ જિલ્લાઓ પુણે, અહિલ્યાનગર, નાસિક, લાતુર અને બીડ સાથે જોડાયેલી છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પીવી કુલકર્ણી છેલ્લા ઘણા વર્ષોથી એનટીએની રાષ્ટ્રીય પેનલમાં રહીને પેપર સેટ કરવાનું કામ કરતો હતો. કુલકર્ણીએ પોતાના જ ક્લાસમાંથી 'અનુમાન પેપર' ના કોડ વર્ડ હેઠળ લીક થયેલું અસલી પ્રશ્નપત્ર ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા નાસિકના શુભમ ખૈરનાર અને ત્યાંથી ગુરુગ્રામના યશ યાદવ સુધી પહોંચાડ્યું હતું. આ ટોળકીએ રાજસ્થાનના એક વગદાર પરિવારને આ પ્રશ્નપત્ર માત્ર ૧૦ લાખ રૂપિયાની મસમોટી રકમમાં વેચી માર્યું હોવાના પુરાવા મળ્યા છે.

કૌભાંડની કડીઓ આગળ વધતા સીબીઆઈની ટીમે રાઉઝ એવન્યુ કોર્ટમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે કે પીવી કુલકર્ણીએ પેપર લીકના આ કાળા કારોબારને વિસ્તારવા માટે મનીષા વાઘમારે નામની મહિલાને પોતાની મુખ્ય ભાગીદાર બનાવી હતી. આ મહિલા પુણે શહેરમાં એક પ્રખ્યાત બ્યુટી પાર્લર ચલાવતી હતી અને આ પાર્લરની આડમાં જ NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરવાનું મસમોટું નેટવર્ક ઓપરેટ કરવામાં આવતું હતું. મનીષા વાઘમારેએ મેડિકલ કન્સલ્ટન્સી ઓપરેટરો અને કોચિંગ સંચાલકોને સાથે રાખીને આખી એક સુવ્યવસ્થિત ટીમ તૈયાર કરી હતી.

સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજો મુજબ, આ ગુનાહિત ટોળકીમાં ધનંજય લોખંડે, શેષરાવ અંબે, મોહક પરાડકર અને નમન નામના યુવકો સક્રિય ભૂમિકા ભજવતા હતા. આ આરોપીઓ ગ્રાહકો શોધવા અને નાણાકીય વ્યવહારો સંભાળવાનું કામ કરતા હતા. દરોડા દરમિયાન આરોપીઓના નિવાસસ્થાનેથી કૌભાંડને લગતા મહત્વના ડિજિટલ પુરાવા જેવા કે લેપટોપ, શંકાસ્પદ બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય સૂત્રધાર કુલકર્ણી અને મનીષાને ૧૦ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.

દરમિયાન, આ કેસ સાથે જોડાયેલા રાજસ્થાનના જયપુરના આરોપી દિનેશ બિવલની ભત્રીજી છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હોવાના અહેવાલોથી તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની છે. ગુમ થયેલી યુવતી એસએમએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓના મતે આ નેટવર્કના તાર દેશના અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાની પ્રબળ આશંકા છે. આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન થનારા ચોંકાવનારા ખુલાસાના આધારે આ રેકેટમાં સામેલ અન્ય શૈક્ષણિક માફિયાઓની ધરપકડ થાય તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.

(12:28 AM IST)