<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

મહારાષ્ટ્રઃ શાળાની આસપાસ ચોકલેટ - વડાપાવ સહિતના જંક ફૂડ પર પ્રતિબંધ

બાળકોના સ્‍વાસ્‍થ્‍ય અને પૌષ્ટિક આહારને પ્રાથમિકતા આપતા મહારાષ્ટ્ર સરકારે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો

મુંબઇ તા.૩૦: બાળકોના સ્‍વાસ્‍થ્‍ય અને પૌષ્ટિક આહારને પ્રાથમિકતા આપતા મહારાષ્ટ્ર સરકારે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના ફૂડ એન્‍ડ ડ્રગ એડમિનિસ્‍ટ્રેશન દ્વારા શાળાઓમાં તેમજ તેની આસપાસના વિસ્‍તારમાં જંક ફૂડના વેચાણ, મફત વિતરણ અને જાહેરાતો પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્‍યો છે.

નવા આદેશ અનુસાર, હાઈ ફેટ, ખાંડ અને મીઠાવાળા ખોરાક જેમ કે વડાપાંવ, સમોસા, ડીપ-ફ્રાઇડ નાસ્‍તા, ચિપ્‍સ, કોલ્‍ડ ડ્રિક્‍સ, ચોકલેટ અને આઈસ્‍ક્રીમ હવે શાળા પરિસરમાં કે તેની ૫૦ મીટરની ત્રિજ્‍યામાં વેચી શકાશે નહીં. આ નિયમ રાજ્‍યની આશરે ૧.૦૮ લાખ શાળાઓ અને અંદાજે ૨ કરોડ વિદ્યાર્થીઓને સીધી અસર કરશે. સરકારી, ખાનગી, સીબીએસઈ અને આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની શાળાઓને આ આદેશ લાગુ પડશે.

મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંધેએ આ આદેશની જાહેરાત કરતા જણાવ્‍યું હતું કે, આ પગલું રાજ્‍યના સેફ ફૂડ - સેફ મહારાષ્ટ્ર અભિયાનનો એક મુખ્‍ય ભાગ છે. બાળકોને પૌષ્ટિક અને સુરક્ષિત આહાર પૂરો પાડીને સ્‍વસ્‍થ સમાજનું નિર્માણ કરવાનો સરકારનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે.

શાળા કેન્‍ટીન, હોસ્‍ટેલ કેન્‍ટીન, મધ્‍યાહન ભોજન રસોડા અને આંગણવાડી કેન્‍દ્રોમાં ખાધ્‍ય પદાર્થો પૂરા પાડતા વિક્રેતાઓ પાસે હવે માન્‍ય એફએસએસએઆઈ લાયસન્‍સ અને નોંધણી હોવી અનિવાર્ય છે. શાળાઓએ ખાદ્ય સલામતી માહિતી બોર્ડ લગાવવા અને ફૂડ સેફટી સુપરવાઇઝરની નિમણૂક કરવાની રહેશે.

આ નિયમોનું પાલન કરાવવાની મુખ્‍ય જવાબદારી શાળાના આચાર્યો અને મેનેજમેન્‍ટની રહેશે. નિયમોનું ઉલ્‍લંઘન કરનાર શાળાઓ સામે ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ એક્‍ટ, ૨૦૦૬ હેઠળ નોટિસ આપવાથી લઈને લાયસન્‍સ રદ કરવા અને કાનૂની કાર્યવાહી સુધીના કડક પગલાં લેવામાં આવશે.

(2:54 PM IST)