<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મહારાષ્ટ્ર રાજકારણ અને સામાજિક ચળવળને મોટી ખોટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પ્રખર સમાજવાદી વિચારક અને પૂર્વ પ્રવક્તા ડો. રત્નાકર મહાજનનું ૮૦ વર્ષની વયે પૂણે ખાતે દુઃખદ નિધન

​ટૂંકી બીમારી બાદ નિવાસ્થાને લીધા અંતિમ શ્વાસ: રાજ્ય આયોજન મંડળના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્ર સેવા દળ તેમજ યુવક ક્રાંતિ દળ જેવી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી વિચારકના અવસાનથી પ્રગતિશીલ ચળવળના એક અભ્યાસુ નેતાની વિદાય, રાજકીય ક્ષેત્રે ઊંડો શોક

​પૂણે: મહારાષ્ટ્રના રાજકારણ અને પ્રગતિશીલ સામાજિક ચળવળમાં મોટું પ્રદાન આપનાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા, રાજકીય વિશ્લેષક અને જાણીતા સમાજવાદી વિચારક ડો. રત્નાકર મહાજનનું ૮૦ વર્ષની વયે પૂણે સ્થિત તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા.

​મહારાષ્ટ્રના ઇન્દાપુર તાલુકાના વતની એવા ડો. રત્નાકર મહાજન ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પૂણે આવ્યા હતા અને ત્યારબાદ તેમણે પોતાનું સમગ્ર જીવન સામાજિક અને રાજકીય ચળવળોમાં સમર્પિત કરી દીધું હતું. વિદ્યાર્થી ચળવળથી શરૂઆત કરનાર ડો. મહાજને 'યુવક ક્રાંતિ દળ', 'રાષ્ટ્ર સેવા દળ' અને 'ભારત જોડો અભિયાન' જેવી જાણીતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાઈને અનેક સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો.

​રાજકીય સફર દરમિયાન તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, જ્યાં તેમણે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે અને મહારાષ્ટ્ર રાજ્ય આયોજન મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. આ ઉપરાંત, તેમણે વૈચારિક સામયિક 'શિદોરી'ના સંપાદક તરીકે પણ દીર્ઘકાળ સુધી સેવા આપી હતી. તેઓ 'લોકબોધિની' સંસ્થાના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા.

​પોતાના બહુમુખી વ્યક્તિત્વ, અભ્યાસુ અને વિચારશીલ સ્વભાવ માટે ઓળખાતા ડો. રત્નાકર મહાજનના નિધનથી મહારાષ્ટ્રની વૈચારિક અને સામાજિક ચળવળને મોટો ફટકો પડ્યો છે. તેમની અંતિમવિધિ પૂણેના વૈકુંઠ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.

(1:57 PM IST)