News of Tuesday, 14th July 2026
મહારાષ્ટ્ર TET પેપર લીક પર રાહુલ ગાંધીના પ્રહારો સામે ફડણવીસનો વળતો જવાબ:'ભારતમાં પૂછો, વિદેશમાં નહીં!':
દેશના ભવિષ્ય સમાન ૬ લાખ ઉમેદવારોના અટકેલા ભાવિ મુદ્દે વિપક્ષના નેતાએ સરકાર સામે ત્રણ મોટી માંગણીઓ મુકતા જ રાજકારણ ગરમાયું : મુખ્યમંત્રીએ રાહુલના વિદેશ પ્રવાસો પર કટાક્ષ કરી આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈ: મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા કસોટી (TET) ના પેપર લીક મામલે હવે દેશનું રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લેતા તીખા સવાલો કર્યા હતા. રાહુલે ગુસ્સે ભરાઈને પૂછ્યું કે, "જો સિસ્ટમ દોષિત છે, તો મહેનતુ ઉમેદવારોને સજા કેમ થઈ રહી છે?" જોકે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ પ્રહારોનો ત્વરિત અને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. ફડણવીસે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધી મોટાભાગે વિદેશમાં રહે છે, એટલે કદાચ તેમને ભારતમાં લેવાયેલા ત્વરિત પગલાંની કોઈ જાણ જ નથી.
રાહુલ ગાંધીએ ૬ લાખથી વધુ ઉમેદવારોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરતા સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમણે નવી પરીક્ષાની તારીખ તાત્કાલિક જાહેર કરવા, પેપર લીક કરનારા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને આ વિલંબને કારણે જે ઉમેદવારોનું વર્ષ બરબાદ થયું છે તેમને વય મર્યાદામાં છૂટછાટ આપવાની માંગ કરી છે. રાહુલે ઉમેર્યું કે દેશના ભાવી શિક્ષકો વર્ષોની મહેનત અને ફી ભરીને પરીક્ષા આપવા ગયા હતા, પરંતુ બે અઠવાડિયા વીતી જવા છતાં નવી તારીખના કોઈ ઠેકાણા નથી. આ જટિલ મુદ્દે તેઓ આગામી ૧૭ જુલાઈએ દેહરાદૂનમાં યુવાનો સાથે એક મોટી ચર્ચા પણ કરવા જઈ રહ્યા છે.
સામે પક્ષે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સમક્ષ સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસ અને વહીવટીતંત્રે પેપર લીક થયા બાદ નહીં, પરંતુ તે પહેલાં જ સક્રિય થઈને ગુનેગારોને દબોચી લીધા હતા અને પરીક્ષા મુલતવી રાખી હતી. તેમણે ઉમેદવારોને આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ વિના પારદર્શક રીતે પરીક્ષા યોજવા માટે નવું આયોજન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૨૮ જૂને યોજાનારી આ પરીક્ષાના એક દિવસ પહેલા જ થાણે જિલ્લામાંથી પેપર લીક થવાના અહેવાલો સામે આવ્યા હતા, જેના કારણે હાલ લાખો વિદ્યાર્થીઓ અધ્ધરતાલ સ્થિતિમાં મુકાયા છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
