તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
₹૩,૪૦૦ કરોડની સંપત્તિ ધરાવતા મહારાષ્ટ્રના સૌથી અમીર ગુજરાતી ધારાસભ્ય બન્યા 'ભિખારી': ફાટેલા કપડાં પહેરી રસ્તા પર માગી ભિક્ષા, જાણો અબજોપતિએ કેમ કરવો પડ્યો આ વેશપલટો!
રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાડતો આશ્ચર્યજનક કિસ્સો; જૈન સંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ઘાટકોપરના MLA પરાગ શાહે ગરીબી અને લાચારીનો પ્રત્યક્ષ અનુભવ કરવા લીધો અનોખો સંકલ્પ

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણ અને સામાજિક વર્તુળોમાંથી એક અત્યંત ચોંકાવનારો અને રોચક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના સૌથી ધનિક વિધાનસભ્ય (MLA) તરીકે જાણીતા અને આશરે ₹૩,૪૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ઘાટકોપર પૂર્વના ગુજરાતી ધારાસભ્ય પરાગ શાહે એક દિવસ માટે તમામ સુખ-સુવિધાઓ અને VIP પ્રોટોકોલ છોડીને 'ભિક્ષુક'નું જીવન જીવવાનો અનોખો અનુભવ કર્યો છે. અબજોપતિ ધારાસભ્ય રસ્તા પર ઉતરીને ભિક્ષા માગતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ સમગ્ર રાજ્યમાં ભારે કૌતુક સર્જાયું છે.
આ અનોખા વેશપલટા પાછળનું કારણ એક આધ્યાત્મિક સંકલ્પ છે. જૈન ધર્મના પવિત્ર ચાતુર્માસ દરમિયાન પરાગ શાહના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે તેમને સમાજના સૌથી વંચિત, ગરીબ અને લાચાર વર્ગના દૈનિક સંઘર્ષ તથા પીડાને નજીકથી સમજવા માટે એક દિવસ ભિખારી તરીકે વિતાવવાની પ્રેરણા આપી હતી. ગુરુદેવના આદેશનું શિરોમાન્ય પાલન કરતાં પરાગ શાહે ખાસ મેકઅપ કરીને ફાટેલાં-મેલાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં અને એક સામાન્ય ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું હતું.
પોતાની સુરક્ષા અને ઓળખ છુપાવીને તેઓ મુંબઈના વિવિધ જાહેર સ્થળો અને માર્ગો પર ફ્ર્યા હતા. અજાણ્યા બનીને તેમણે લોકો પાસે હાથ લંબાવીને ભિક્ષા માગી હતી અને ભિક્ષામાં મળેલી વસ્તુઓ તથા અન્ન ગ્રહણ કરીને પોતાનું પેટ ભર્યું હતું. આ પ્રયોગ પૂર્ણ થયા બાદ, તેમણે પોતાની મૂળ ઓળખ જાહેર કરીને તે જ સ્થળોની ફરી મુલાકાત લીધી હતી અને લોકો સાથે પોતાના સંવેદનશીલ અનુભવો શેર કર્યા હતા. એક અબજોપતિ નેતાનો આ ધાર્મિક અને સામાજિક પ્રયોગ હાલ ચર્ચાનો કેન્દ્રબિંદુ બન્યો છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
