<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

કાનપુરમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ મોટો અકસ્માત, ડ્રાઈવિંગ શીખી રહેલી મહિલાએ થાર ગાડીથી સ્કૂટર સવારને કચડ્યો, 55 વર્ષીય વ્યક્તિનું દર્દનાક મોત

ઘરથી માત્ર 500 મીટર દૂર હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી મહિન્દ્રા થારે ટક્કર મારી, અકસ્માત સર્જીને આરોપીઓ કાર મૂકીને ફરાર

કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી મહિન્દ્રા થાર ગાડીએ એક સ્કૂટર સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 55 વર્ષીય સંતોષ સિંહ ચૌહાણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના કલ્યાણપુરના અવાસ વિકાસ-3 વિસ્તારમાં શનિવારે સાંજની આસપાસ બની હતી. મૃતકની ઓળખ પાંકીના સ્વરાજ નગરના રહેવાસી સંતોષ સિંહ ચૌહાણ તરીકે થઈ છે, જેઓ પોતાની પત્ની માટે સાડી લઈને ઘરથી માત્ર 500 મીટરના અંતરે હતા ત્યારે આ ગોઝારી ઘટના ઘટી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિન્દ્રા થારમાં બે મહિલાઓ અને એક પુરુષ સવાર હતા, અને ગાડી કથિત રીતે એક એવી મહિલા ચલાવી રહી હતી જે ડ્રાઈવિંગ શીખી રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સંતોષ સિંહનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું અને તેમનું સ્કૂટર લગભગ 20 મીટર સુધી ઘસડાતું ગયું. અનિયંત્રિત બનેલી થાર એક રહેણાંક મકાનની દીવાલ તોડીને બગીચામાં ઘૂસી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારમાં સવાર લોકો ક્ષતિગ્રસ્ત થારને ત્યાં જ છોડીને અન્ય કારમાં બેસીને નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. થાર ગાડીનો નંબર યુપી 78 જીએક્સ 4475 છે અને તેના પર કૃષ્ણા ગ્રુપની બ્રાન્ડિંગ પણ જોવા મળી છે. પોલીસે વાહનને જપ્ત કરી લીધું છે અને નોંધાયેલા માલિકની ઓળખ કૃષ્ણા કુમાર તરીકે કરી છે.

પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી અકસ્માત સમયે ગાડીમાં કોણ કોણ હાજર હતું અને વાહન ખરેખર કોણ ચલાવી રહ્યું હતું તેની સચોટ માહિતી મળી શકે. પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(5:07 PM IST)