News of Saturday, 12th September 2026
હોકી ઈન્ડિયામાં મોટો વહીવટી ભડાકો: 'નિયમોનું પાલન ન કરવા અને આજ્ઞાભંગ'ના ગંભીર આરોપોસર ડાયરેક્ટર-જનરલ આર.કે. શ્રીવાસ્તવ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
કેસરી જર્સીનો વિવાદ, સાઉથ આફ્રિકા ટૂર દરમિયાન ખેલાડીઓની કથિત ગેરવર્તણૂક અને પ્રમુખની સ્પષ્ટ સૂચનાઓની અવગણના ભારે પડી: ચાર અઠવાડિયામાં લેખિત જવાબ રજૂ કરવા આદેશ

નવી દિલ્હી : ભારતીય હોકી જગતમાં અત્યારે એકાએક એક મોટો વહીવટી વિવાદ સામે આવ્યો છે. હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી દ્વારા 'નિયમોનું પાલન ન કરવા અને આજ્ઞાભંગ' (Insubordination and Non-Compliance) જેવી ગંભીર બાબતોની શ્રેણીને પગલે સંસ્થાના ડાયરેક્ટર-જનરલ (DG) કમાન્ડર આર.કે. શ્રીવાસ્તવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ શ્રીવાસ્તવને આગામી ચાર અઠવાડિયાની અંદર પોતાનો લેખિત જવાબ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે, જ્યારે આ સસ્પેન્શન કાળ દરમિયાન તેમને હોકી ઈન્ડિયા વતી કોઈપણ ક્ષમતામાં કામ કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રમુખ દિલીપ તિર્કીએ અગાઉ સત્તાવાર પત્રવ્યવહાર કરીને ડીજી શ્રીવાસ્તવને નેધરલેન્ડ અને બેલ્જિયમ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ૨૦૨૬ વર્લ્ડ કપમાં પ્રવાસ ન કરવા અને ભારતમાં જ રહીને હોકી ઈન્ડિયા લીગ (HIL) ની ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે સંકલન સાધવાની સ્પષ્ટ સૂચના આપી હતી. જો કે, તિર્કી પોતે વર્લ્ડ કપમાં ગયા ન હતા, છતાં સેક્રેટરી-જનરલ ભોલા નાથ સિંહ, પસંદગી સમિતિના અધ્યક્ષ આર.પી. સિંહ અને ડીજી શ્રીવાસ્તવે આ ટૂર્નામેન્ટમાં હાજરી આપી હતી. વકીલ દ્વારા જારી કરાયેલા બે પાનાના સસ્પેન્શન પત્રમાં ઓછામાં ઓછી આઠ એવી ઘટનાઓ ટાંકવામાં આવી છે જેમાં પ્રમુખની સ્પષ્ટ સૂચનાઓ છતાં ડાયરેક્ટર-જનરલ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ ગંભીર આક્ષેપોમાં રાષ્ટ્રીય ટીમની જર્સીમાં મંજૂરી વિના ફેરફાર (કેસરી જર્સી વિવાદ), જર્સી વિવાદ પર મીડિયા પ્રતિબંધ છતાં પીઆર (PR) એજન્સી દ્વારા ઇન્ટરવ્યુ યોજવા દેવા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ખેલાડીઓ (મનપ્રીત સિંહ, દિલપ્રીત સિંહ અને કૃષ્ણ પાઠક) દ્વારા ગાંજા યુક્ત ગમીઝ ખાધા બાદ સુખજીત સિંહ અસ્વસ્થ થવાના મામલે કોઈ શિસ્તભંગના પગલાં ન લેવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટનના રાજીનામાની અટકળો અંગે યોગ્ય સ્પષ્ટતા ન કરવામાં, POSH/ICC રિપોર્ટની માહિતી છુપાવવામાં અને વિદેશી ફેડરેશનો સાથેના સંવાદમાં પ્રમુખને અંધારામાં રાખવા જેવા ગંભીર મુદ્દાઓ સામેલ છે. હોકી ઈન્ડિયાએ ડીજીને તમામ ઓપરેશનલ ચાર્જ અને સત્તાવાર દસ્તાવેજો તાત્કાલિક સોંપી દેવા આદેશ કર્યો છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
