<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓના વ્યાજ એડજસ્ટમેન્ટ નિયમોમાં મોટો ફેરફાર: PPF અને સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકો પર અસર

વ્યાજ ગણતરીમાં ગડબડ રોકવા 'મેકર-ચેકર' સિસ્ટમ અમલી; બે અધિકારીઓની મંજૂરી વિના હવે ખાતામાં વ્યાજનો સુધારો નહીં થઈ શકે

નવી દિલ્હી : ભારતીય ડાક વિભાગે (પોસ્ટ ઓફિસ) તેની વિવિધ નાની બચત યોજનાઓ જેવી કે PPF, સુકન્યા સમૃદ્ધિ, સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), અને મંથલી ઇન્કમ સ્કીમ (MIS) ના વ્યાજ એડજસ્ટમેન્ટ સંબંધિત નિયમોમાં મોટો સુધારો કર્યો છે. મંગળવારે, ૬ ઓક્ટોબરના રોજ લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતાઓમાં વ્યાજની રકમમાં થતી ભૂલો, ગડબડ અને અનધિકૃત ફેરફારોને અટકાવવાનો છે. નવી વ્યવસ્થા હેઠળ હવે વ્યાજ એડજસ્ટમેન્ટ માટે 'મેકર-ચેકર' (Maker-Checker) મોડલ લાગુ કરવામાં આવ્યું છે, જેથી સિસ્ટમમાં પારદર્શિતા અને ચોકસાઈ વધારી શકાય.

 

અત્યાર સુધી લાગુ નિયમો મુજબ, વ્યાજના ફેરફારની એન્ટ્રી SBCO સુપરવાઈઝર દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી બાદ કરવામાં આવતી હતી અને સિસ્ટમમાં તેની બીજી વાર તપાસ થતી નહોતી. પરંતુ નવી સીસ્ટમમાં એક અધિકારી વ્યાજ એડજસ્ટમેન્ટની પ્રારંભિક એન્ટ્રી કરશે, જ્યારે બીજા વરિષ્ઠ અધિકારી તે તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરીને તેને સિસ્ટમમાં વેરિફાઈ કરશે. આ દ્વિ-સ્તરીય ચકાસણી પ્રક્રિયાને કારણે માનવસહજ ભૂલોની શક્યતા નહિવત થઈ જશે અને અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી શકાશે.

 

નવા નિયમો મુજબ, આ તમામ એડજસ્ટમેન્ટની કામગીરી HARM (ઇન્ટરેસ્ટ એડજસ્ટમેન્ટ મેન્યુઅલ) મોડ્યુલ દ્વારા જ કરવામાં આવશે. જોકે, ખાતાની મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટમાં HARM દ્વારા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. હવે સંબંધિત હેડ ઓફિસના SBCO સુપરવાઈઝર વ્યાજ એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરશે અને ત્યારબાદ સર્કલના CPC સુપરવાઈઝર તે તમામ માહિતી અને આંકડાઓની પુનઃ ચકાસણી કરીને તેને અંતિમ મંજૂરી આપશે.

 

જો કોઈ ખાતાધારકના ખાતામાં વ્યાજની રકમનું એડજસ્ટમેન્ટ કરવાનું થશે, તો સૌપ્રથમ સ્થાનિક પોસ્ટમાસ્ટર તમામ દસ્તાવેજો અને કેસની વિગતવાર તપાસ કરશે. ત્યારબાદ આ કેસ ડિવિઝનલ હેડને મોકલવામાં આવશે, જ્યાંથી મંજૂરી મળ્યા બાદ જ SBCO સુપરવાઈઝર ખાતાની વિગત, વ્યાજની રકમ, તારીખ અને સંબંધિત સ્કીમની માહિતી ચકાસીને સિસ્ટમમાં એન્ટ્રી કરી શકશે. આ કડક પ્રક્રિયાથી વ્યાજની ચૂકવણીમાં થતી નાણાકીય અનિયમિતતાઓ પર સંપૂર્ણ બ્રેક લાગશે.

 

આ નવી પ્રક્રિયા હેઠળ HARM મોડ્યુલ દ્વારા મહત્તમ ₹૫ લાખ સુધીનું વ્યાજ એડજસ્ટમેન્ટ કરી શકાશે. જો આ રકમ ₹૫ લાખથી વધુ હોય, તો તેવા કેસને ઉચ્ચ કક્ષાએ ચેન્નાઈ સ્થિત વિભાગીય કાર્યાલયમાં મંજૂરી માટે મોકલવો પડશે. આ ઉપરાંત, SCSS અને MIS જેવા ખાતાઓ માટે નાણાકીય વર્ષની ૩૧ માર્ચ સુધીની તારીખ અથવા બીઓડી (BOD) તારીખનો ઉપયોગ કરીને બેંક એડજસ્ટમેન્ટ કરી શકાશે.

 

ડાક વિભાગ દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી દેશભરના કરોડો બચતકારોના નાણાં વધુ સુરક્ષિત બનશે. પોસ્ટ ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે વ્યાજ ગણતરીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે જ આ પગલું ભરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમામ પોસ્ટ ઓફિસ શાખાઓમાં નવી 'મેકર-ચેકર' સિસ્ટમ પૂર્ણપણે કાર્યરત થઈ જશે, જેનાથી ગ્રાહકોને વ્યાજ સંબંધિત ફરિયાદોનો ઝડપી અને સચોટ નિકાલ મેળવવામાં મદદ મળશે.

 

(6:45 PM IST)