તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
AICC સંગઠનમાં વ્યાપક ફેરફાર : કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ૮૧ સચિવોની યાદી જાહેર - ૨૫ ને પદમુક્ત કરાયા : ગુજરાતના ચાર નેતાઓને મહત્વની કામગીરી સોંપાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ
ગુજરાતમાંથી પાલભાઈ આંબલિયાને મધ્યપ્રદેશ તથા ડો. શ્રીમતી પલક વર્માને રાજસ્થાનની જવાબદારી : ગુજરાત પ્રદેશમાં રામકિશન ઓઝા અને શ્રીમતી સુભાષિની યાદવ યથાવત, જ્યારે હેમસિંહ શેખાવત અને નરેશ ઠાકુર નવા સચિવ નિમાયા

નવી દિલ્હી : પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ સંગીન અને સક્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) એ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે એઆઈસીસીના ૮૧ સચિવોની નવી નિમણૂક અને પુનઃનિમણૂકની યાદી બહાર પાડી છે, સાથોસાથ ૨૫ સચિવોને તેમની જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. તત્કાળ અસરથી લાગુ થયેલા આ આદેશ અંતર્ગત નિયુક્ત સચિવોને વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને પક્ષના કાર્યકારી વિભાગોની કામગીરી ફાળવવામાં આવી છે. આ માળખાકીય ફેરફારોમાં ગુજરાતના ચાર નેતાઓને મહત્વની સંગઠનાત્મક ભૂમિકા સોંપવામાં આવી છે.
અન્ય રાજ્યોમાં ગુજરાતના નેતાઓને સ્થાન:
સંગઠનાત્મક નિમણૂકો હેઠળ ગુજરાત કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલિયાને રાષ્ટ્રીય મંત્રી (એઆઈસીસી સચિવ) તરીકે નિયુક્તિ આપીને મધ્યપ્રદેશના પક્ષ સંગઠનની કામગીરીનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતનાં મહિલા અગ્રણી ડો. શ્રીમતી પલક વર્માને રાજસ્થાનમાં પક્ષના સંગઠનાત્મક કાર્યને વેગ આપવાની જવાબદારી મળી છે. ગુજરાતના આ નેતાઓને અન્ય રાજ્યોની કામગીરી મળવાથી રાષ્ટ્રીય સ્તરે તેમની સક્રિયતા અને મહત્વમાં વધારો થશે.
ગુજરાતની કામગીરીમાં નવા ચહેરાઓનો સમાવેશ:
ગુજરાત પ્રદેશની સંગઠનાત્મક કામગીરી માટે પક્ષે જૂના અને નવા ચહેરાઓનો સમન્વય સાધ્યો છે. ગુજરાતના પ્રભારી તરીકે કાર્યરત રામકિશનભાઈ ઓઝા અને શ્રીમતી સુભાષિની યાદવને તેમના વર્તમાન પદ પર જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે હેમસિંહભાઈ શેખાવત અને નરેશભાઈ ઠાકુરને ગુજરાતના નવા એઆઈસીસી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંગઠનના વિસ્તરણ અને આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે આ નિર્ણયોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
