<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

પહલગામ આતંકી હુમલા બાદ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો, ૪૯ જેટલા પ્રવાસન સ્થળો કામચલાઉ બંધ: ઘૂસણખોરી રોકવા એલઓસી પર ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો, નાઈટ વિઝન કેમેરા અને ડ્રોનથી સતત નજર

જમ્મુ: પહલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને એક વર્ષ વીતી ગયા બાદ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થામાં વ્યાપક બદલાવ કરવામાં આવ્યા છે. આ હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા, જેણે પ્રવાસી વિસ્તારોની સુરક્ષાની નબળાઈઓ છતી કરી હતી. પરિણામે, સેના અને સુરક્ષા એજન્સીઓએ ખીણના ૮૭ જેટલા પ્રવાસન સ્થળોનું સુરક્ષા ઓડિટ કર્યું હતું અને તેમાંથી ૪૯ જેટલા સંવેદનશીલ સ્થળોને સુરક્ષા કારણોસર પ્રવાસીઓ માટે કામચલાઉ ધોરણે બંધ કરી દીધા છે. સંવેદનશીલ અંદરના વિસ્તારોમાં સેનાની તૈનાતી વધારવામાં આવી છે.

 

નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પારથી થતી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા સેના દ્વારા હાઈ-ટેક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે વધારાના સીસીટીવી કેમેરા, નાઈટ વિઝન ઉપકરણો અને નાના ડ્રોન તૈનાત કરાયા છે. 

 

આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારોમાં સૈનિકો સતત ૭૨ થી ૯૬ કલાક સુધી ઓપરેશન ચલાવી શકે તે માટે ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (ટીઓબી) પણ ઊભા કરવામાં આવ્યા છે. હવાઈ અને જમીની પેટ્રોલિંગ વધારીને આતંકી નેટવર્ક પર સતત દબાણ બનાવવાની રણનીતિ અપનાવાઈ છે.

(9:55 AM IST)