<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કેનેડામાં ડ્રગ્સની મોટી ચોરીનો પર્દાફાશ: ₹16 કરોડથી વધુના ગાંજા સાથે ભારતીય મૂળના 5 યુવકો ઝડપાયા, બે ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત

મિસિસોગામાં ચોરીના ટ્રેલરમાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ યોર્ક રિજનલ પોલીસે કરી કાર્યવાહી; ધરપકડ કરાયેલા તમામ યુવકો બ્રામ્પટન અને હેમિલ્ટનના રહેવાસી, કુલ 33 જેટલા ગુનાઓ હેઠળ નોંધાયો કેસ

ટોરોન્ટો: કેનેડાના યોર્ક રિજનમાં રહેતા ભારતીય મૂળના સમુદાય માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કેનેડાની યોર્ક રિજનલ પોલીસની ઓટો કાર્ગો થેફ્ટ યુનિટે એક મોટા ઓપરેશન દરમિયાન ભારતીય મૂળના પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો પાસેથી આશરે 2 મિલિયન ડોલર (અંદાજે ₹16 કરોડથી વધુ) ની કિંમતના ચોરીના કેનાબીસ (ગાંજો) ઉત્પાદનો અને બે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો મળી આવ્યા છે.

ચોરીના ટ્રેલરે ખોલ્યો ગુનાનો ભેદ

આ ઘટનાની શરૂઆત 15 એપ્રિલના રોજ થઈ હતી જ્યારે પોલીસને મિસિસોગા શહેરમાં હાઈવે 401 અને મેકલોફલિન રોડ નજીક એક શંકાસ્પદ ટ્રેલર મળી આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ટ્રેલર ચોરીનું હતું અને તેમાં ગાંજાના ઉત્પાદનોનો વિશાળ જથ્થો ભરેલો હતો. આ ડ્રગ્સનો જથ્થો વિવિધ ડિસ્પેન્સરીમાં પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓએ આખું ટ્રેલર જ ચોરી લીધું હતું.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ

પોલીસે આ કેસમાં કડક તપાસ કરીને પાંચ વ્યક્તિઓને દબોચી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મનવીર સિંહ (21 વર્ષ), સરબજીત સિંહ (32 વર્ષ), દિલખાબ સિંહ (21 વર્ષ), કરણ કુમાર (25 વર્ષ) અને જયસ્કાવાન માલ્હી (23 વર્ષ) નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, કરણ કુમાર હેમિલ્ટનનો રહેવાસી છે, જ્યારે બાકીના ચારેય આરોપીઓ બ્રામ્પટનમાં રહે છે.

ભારે કલમો હેઠળ ગુનો નોંધાયો

ધરપકડ સમયે આરોપીઓ પાસેથી બે લોડેડ હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસે આ પાંચેય યુવકો પર વાહન ચોરી, ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવી, ડ્રગ્સની હેરફેર અને ગેરકાયદેસર હથિયાર રાખવા જેવી ગંભીર કલમો હેઠળ કુલ 33 આરોપો મૂક્યા છે. યોર્ક પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ ગેંગે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કે ચોરી કરી હોઈ શકે છે, તેથી કોઈ પણ માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. કેનેડામાં ભારતીય મૂળના યુવકોનું નામ આવા મોટા ડ્રગ્સ રેકેટમાં આવતા ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ચર્ચા જાગી છે.

 

(6:36 PM IST)