<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

TCS નાસિક યુનિટમાં શોષણનું મોટું કૌભાંડ: "ફરિયાદ રહેવા દો, હાઈલાઈટ શું કામ થવું છે?" - પીડિતાઓને મદદ કરવાને બદલે HR અધિકારીએ જ મોઢું ફેરવી લીધું

SITના રિમાન્ડ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો; હાઉસકીપિંગ સ્ટાફ બનીને પોલીસ ઓફિસમાં ઘૂસી અને ખેલાયો ધરપકડનો દોર; બળાત્કાર અને જાતીય સતામણી સહિત ૯ FIR દાખલ

નાસિક: નાસિકમાં આવેલી દેશની પ્રતિષ્ઠિત આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના BPO યુનિટમાં માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, જ્યારે મહિલા કર્મચારીઓ પોતાની સાથે થતા ઉત્પીડનની ફરિયાદ લઈને HR વિભાગ પાસે ગઈ, ત્યારે મદદ કરવાને બદલે મહિલા HR અધિકારીએ જ તેમને ચુપ કરી દીધી હતી. અધિકારીએ પીડિતાને કહ્યું હતું કે, "તમે શા માટે હાઈલાઈટ થવા માંગો છો? તેને જવા દો, છોડી દો."
પોલીસે રચ્યું 'ગુપ્ત ઓપરેશન': હાઉસકીપિંગ બનીને રાખી નજર
આ કેસની વિગતો કોઈ ક્રાઈમ થ્રિલર જેવી છે. ફેબ્રુઆરી મહિનામાં નાસિક પોલીસને આ યુનિટમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી મળી હતી. સત્ય જાણવા માટે પોલીસે પોતાના ગુપ્ત કર્મચારીઓને હાઉસકીપિંગ સ્ટાફ (સફાઈ કામદારો) બનાવીને ઓફિસમાં તૈનાત કર્યા હતા. ઘણા અઠવાડિયા સુધી ઓફિસની અંદર રહીને પોલીસે કર્મચારીઓની હિલચાલ પર નજર રાખી અને પુરાવા એકઠા કર્યા. આ ઓપરેશનના અંતે જે સત્ય બહાર આવ્યું તેનાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
૨૬ માર્ચથી ૩ એપ્રિલ દરમિયાન ૯ FIR અને ૭ ધરપકડ
SIT ની તપાસના આધારે અત્યાર સુધીમાં નવ અલગ-અલગ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. જેમાં બળાત્કાર, જાતીય સતામણી, પીછો કરવો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે. પોલીસ અત્યાર સુધીમાં છ પુરુષ કર્મચારીઓ અને એક મહિલા HR અધિકારી સહિત સાત લોકોની ધરપકડ કરી ચૂકી છે, જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
૧૮ થી ૨૫ વર્ષની યુવતીઓ બની શિકાર
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાતા અન્ય પીડિત મહિલાઓ પણ હિંમત કરીને સામે આવી હતી. મોટાભાગની ફરિયાદી યુવતીઓ ૧૮ થી ૨૫ વર્ષની વયની છે. પોલીસ હવે આરોપીઓના ઈમેલ અને કોલ રેકોર્ડ્સનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહી છે જેથી આ શોષણના નેટવર્કનું મૂળ સુધી પહોંચી શકાય.
TCS ની કાર્યવાહી અને POSH એક્ટનો ભંગ
ACP (ક્રાઈમ) સંદીપ મિટકના નેતૃત્વ હેઠળની SIT એ તપાસ કરી રહી છે કે શું કંપનીમાં 'POSH એક્ટ' (કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવતો કાયદો) હેઠળ સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. બીજી તરફ, TCS એ આ કેસમાં સંડોવાયેલા તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.

(6:34 PM IST)