<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ઇઝરાયેલમાં ચૂંટણી ફ્રોડના ષડયંત્રનો મોટો પર્દાફાશ: નેતન્યાહુની મુશ્કેલીઓ વધી: વિપક્ષી નેતા ગાડી આઇઝનકોટે આકરા પ્રહારો કરતા કહ્યું કે બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયેલી લોકશાહી માટે સીધો ખતરો બની ગયા છે, તેમને હવે એક મિનિટ પણ વડાપ્રધાનની ખુરશી પર રહેવાનો કોઈ અધિકાર નથી"

ઇઝરાયેલના હાલના કાર્યવાહક વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર આરબ મતદાતાઓ અને પાર્ટીઓ વિરુદ્ધ વોટ ચોરીનું ખોટું કાવતરું રચવાનો સનસનીખેજ આરોપ: કાવતરું રચીને પીએમ ઓફિસ દ્વારા જ પોલીસને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી હતી: આ મામલે હવે ઇઝરાયેલમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ તેજ બની

(જેરુસલેમ): ઇઝરાયેલના રાજકારણમાં એક નવા અને ગંભીર અહેવાલે ભારે ખળભળાટ મચાવી દીધો છે. ઇઝરાયેલી મીડિયા અને આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓના લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલની તાજેતરની ચૂંટણીમાં આરબ પાર્ટીઓએ વિક્રમજનક ૧૯ બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. આ પરિણામો બાદ કાર્યવાહક વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર આરબ મતદાતાઓ અને પાર્ટીઓ વિરુદ્ધ વોટ ચોરીનું ખોટું કાવતરું રચવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે.

ઇઝરાયેલની 'ચેનલ ૧૨' સહિતના અન્ય અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીના બે અઠવાડિયા પહેલા ડ્રૂઝ સમુદાયના ગામ 'યારકા'માં એક ખાનગી મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં વડાપ્રધાન નેતન્યાહુ, તેમના ચીફ ઓફ સ્ટાફ ઇડો નોર્ડન  અને પીએમઓના પૂર્વ કર્મચારી ડેની ગ્રીનબર્ગ સામેલ હતા. એવો આરોપ છે કે આ બેઠકમાં જ આરબ નાગરિકો અને 'રાઆમ' પાર્ટી વિરુદ્ધ વોટર ફ્રોડ (મતદાનમાં છેતરપિંડી)ની ખોટી કહાની ઉભી કરવાની યોજના બનાવવામાં આવી હતી અને ગ્રીનબર્ગને આ કામના પ્રોજેક્ટ મેનેજર બનાવાયા હતા.
અહેવાલ મુજબ, ચૂંટણીના થોડા દિવસો પહેલા નેતન્યાહુના ચીફ ઓફ સ્ટાફ ઇડો નોર્ડને પોલીસ કમિશનરની ઓફિસમાં ફોન કરીને દક્ષિણ ઇઝરાયેલના રાઆમ પાર્ટીના કાર્યકરો સામે વોટિંગ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે પોલીસને એક કથિત 'ઇન્ટેલિજન્સ સૂત્ર' તરફ દોર્યા હતા, જે ખરેખર તેમની જ યોજનાનો એક ભાગ હતો. મતલબ કે કાવતરું રચીને પીએમ ઓફિસ દ્વારા જ પોલીસને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ ખોટી માહિતીના આધારે ચૂંટણીના દિવસે પોલીસે રાઆમ પાર્ટીના 3 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ, બાદમાં પોલીસ તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે આ તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને કાલ્પનિક હતા, જેના કારણે પોલીસે ત્રણેય કાર્યકરોને કોઈ પણ ચાર્જ વિના મુક્ત કરવા પડ્યા હતા.
આ સમગ્ર બનાવટી ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ ઇઝરાયેલના અગ્રણી વિપક્ષી નેતા ગાડી આઇઝનકોટ એ નેતન્યાહુ પર આકરા પ્રહારો કર્યા છે. આઇઝનકોટે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું છે કે, "બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયેલી લોકશાહી માટે સીધો ખતરો બની ગયા છે, તેમને હવે એક મિનિટ પણ વડાપ્રધાનની ખુરશી પર રહેવાનો કોઈ અધિકાર નથી".
આઇઝનકોટે દલીલ કરી છે કે જે કાર્યવાહક વડાપ્રધાન પોતાના દફ્તર અને દેશની પોલીસનો દુરુપયોગ કરીને રાજકીય વિરોધીઓ અને આરબ પાર્ટીઓ વિરુદ્ધ ખોટા કેસ ઉભા કરાવે છે, તે દેશનું નેતૃત્વ કરવા લાયક નથી. આ મામલે હવે ઇઝરાયેલમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ તેજ બની છે.

(12:13 AM IST)