News of Thursday, 29th October 2026
એક્સિસ બેંકના કરોડો ગ્રાહકો માટે મોટો આર્થિક ઝટકો : આગામી ૧ ડિસેમ્બરથી સેવિંગ્સ અને સેલેરી અકાઉન્ટના નિયમો તથા ચાર્જીસમાં થશે મોટા ફેરફાર
મિનિમમ બેલેન્સની ઘટ પર મહત્તમ ચાર્જ, કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા, ચેક રિટર્ન અને રિવોર્ડ પોઈન્ટ્સ અંગે બેંકે જાહેર કર્યા નવા નિયમો : ખાતાધારકોના માસિક બજેટ પર સીધી અસર પડશે

મુંબઈ : દેશની અગ્રણી ખાનગી બેંકોમાં સ્થાન ધરાવતી એક્સિસ બેંક દ્વારા પોતાના કરોડો ખાતાધારકો માટે બેંકિંગ નિયમો અને ચાર્જીસમાં ધરખમ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧ ડિસેમ્બર ૨૦૨૬થી આ નવા નિયમો અમલમાં આવવાના છે, જેના કારણે સેવિંગ્સ અકાઉન્ટ (બચત ખાતા) અને સેલેરી અકાઉન્ટ (પગાર ખાતા) સાથે સંકળાયેલી સેવાઓ મોંઘી બનશે. બેંક દ્વારા જારી કરાયેલા નોટિસ અનુસાર મિનિમમ બેલેન્સ જાળવવા બાબતે, રોકડ વ્યવહારો, ચેક રિટર્ન અને કેટલાક ખાતાઓ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સના નિયમો બદલાયા છે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ગજા પર પડશે.
નવા નિયમો અને ફેરફારોની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
* નવા નિયમોની અમલવારી: બેંકના જણાવ્યા અનુસાર આ તમામ નવા શુલ્કો અને નિયમો આગામી ૧ ડિસેમ્બર ૨૦૨૬થી સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે.
* મિનિમમ માસિક બેલેન્સ (MAB) ની ઘટ પર ચાર્જ: ખાતામાં જરૂરી લઘુત્તમ સરેરાશ બેલેન્સ જાળવવાનું સૂત્ર યથાવત રાખવામાં આવ્યું છે, જેમાં બેલેન્સની રકમ જેટલી ઘટશે તેના ૬ ટકા જેટલી રકમ દર મહિને સર્વિસ ફી તરીકે વસૂલવામાં આવશે.
* મહત્તમ સર્વિસ ચાર્જમાં ફેરફાર: અગાઉ ઘરેલુ ખાતાઓમાં મેટ્રો અને અર્બન વિસ્તારમાં મહત્તમ ચાર્જ ૬૦૦ રૂપિયા, સેમિ-અર્બનમાં ૩૦૦ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૦ રૂપિયા હતો, જે હવે તમામ જગ્યાએ વધારીને એકસરખો મહત્તમ ૬૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. એનઆરઆઈ ખાતાઓમાં પણ આ નિયમ લાગુ થશે. આ નિયમ સેલેરી ગ્રાહકોને લાગુ પડતો નથી.
* ટોટલ રિલેશનશિપ વેલ્યુ (TRV): ઘરેલુ અને એનઆરઆઈ પ્રાઈમ, પ્રેસ્ટીજ, પ્રાયોરિટી, સંપન્ન, એડવાન્ટેજ અને અરાઈઝ વિમેન્સ ખાતાઓ માટે જે શરત અગાઉ નક્કી કરેલા સ્તરના ૭૫ ટકા હતી, તેને વધારીને હવે સીધી ૧૦૦ ટકા કરી દેવામાં આવી છે.
* કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ઘટાડો: ઈઝી એસેસ તેમજ કૃષિ અને સહજ સેવિંગ્સ અકાઉન્ટમાં અગાઉ દર મહિને પ્રથમ ૪ ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા ૧ લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી (જેમાંથી જે વહેલું હોય). હવે તેને ઘટાડીને પહેલા ૩ ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા ૧ લાખ રૂપિયા સુધીની મર્યાદા કરી દેવામાં આવી છે.
* આઉટવર્ડ ચેક રિટર્ન ચાર્જ: અગાઉ પ્રથમ ચેક રિટર્ન પર ૫૦ રૂપિયા અને બીજા પર ૧૦૦ રૂપિયા ચાર્જ લાગતો હતો, જે હવે વધારીને સીધો પ્રતિ ચેક રિટર્ન ૨૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ નિયમ ઈઝી એસેસ, એડવાન્ટેજ, અરાઈઝ વિમેન્સ, સંપન્ન, કૃષિ, સહજ, ટીઆઈએસસી, પ્રાઈમ, લિબર્ટી, પ્રેસ્ટીજ, પ્રાયોરિટી અને બર્ગન્ડી ખાતાઓને લાગુ પડશે.
* એનઆરઆઈ અકાઉન્ટ ડિલીવરેબલ રિટર્ન ચાર્જ: એનઆરઆઈ બર્ગન્ડી, પ્રાયોરિટી, પ્રેસ્ટીજ અને પ્રાઈમ ખાતાઓમાં અગાઉ આ ચાર્જ ૫૦ રૂપિયા પ્રતિ રિટર્ન હતો, જે હવે વધારીને ૫૦૦ રૂપિયા પ્રતિ રિટર્ન કરી દેવામાં આવ્યો છે.
* એજ રિવોર્ડ પોઈન્ટ્સ બંધ થશે: નોટિસ મુજબ પ્રાયોરિટી, પ્રેસ્ટીજ, પ્રાઈમ એનઆરઆઈ અને ઈઝી એનઆરઆઈ ખાતાઓ માટે હવે 'એજ રિવોર્ડ પોઈન્ટ્સ' (Edge Rewards) ની સુવિધા બંધ કરી દેવામાં આવશે.
* જીએસટી (GST) લાગુ થશે: બેંક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉપરોક્ત તમામ ફી અને ચાર્જીસ ટેક્સથી અલગ છે, જેના પર સરકારના નિયમો અનુસાર લાગુ પડતો જીએસટી વેરો વધારાનો ચૂકવવો પડશે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
