News of Monday, 16th November 2026
લશ્કરી છાવણીઓમાં વડીલોની સંભાળ માટે મોટી પહેલ: દેશની ૮ છાવણીઓમાં ખુલશે નવા ડેકેર સેન્ટર અને વરિષ્ઠ નાગરિક ગૃહો
અટલ વયો અભ્યુદય યોજના' હેઠળ સંરક્ષણ મંત્રાલય અને સામાજિક ન્યાય મંત્રાલય વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર : રાજનાથ સિંહ અને વીરેન્દ્ર કુમારની હાજરીમાં લેવાયેલા નિર્ણયથી હાલના કેન્દ્રોનું પણ થશે આધુનિકીકરણ

નવી દિલ્હી: દેશની લશ્કરી છાવણીઓમાં રહેતા વરિષ્ઠ નાગરિકોની સુખાકારી અને સંભાળ માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કદમ ઉઠાવ્યું છે. સંરક્ષણ મંત્રાલય અને સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ મંત્રાલય વચ્ચે 'અટલ વયો અભ્યુદય યોજના' હેઠળ એક ખાસ સમજૂતી કરાર ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમારની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા આ કરાર મુજબ, દેશની વિવિધ લશ્કરી છાવણીઓમાં મોટી સંખ્યામાં નવા ડેકેર સેન્ટરો અને વરિષ્ઠ નાગરિક ગૃહો (વૃદ્ધાશ્રમો) સ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધી કેન્ટોન્મેન્ટ બોર્ડ પોતાના મર્યાદિત બજેટ અને સંરક્ષણ મંત્રાલયની ગ્રાન્ટ પર નિર્ભર હતા, પરંતુ હવે સામાજિક ન્યાય મંત્રાલય તરફથી સીધી નાણાકીય સહાય મળવાથી આ સુવિધાઓનો વ્યાપ અને ગુણવત્તા બંનેમાં મોટો વધારો થશે.
આ કરાર અંતર્ગત માત્ર નવા કેન્દ્રો જ નહીં ખોલવામાં આવે, પરંતુ વૃદ્ધોની સેવા કરતા કર્મચારીઓ અને સંભાળ રાખનારાઓને ખાસ કૌશલ્ય તાલીમ (Skill Training) આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સંરક્ષણ સંપદા મહાનિર્દેશાલય (DGDE) દ્વારા નવા ડેકેર સેન્ટરો શરૂ કરવા માટે દેશની આઠ મુખ્ય છાવણીઓની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં દિલ્હી, પુણે, ખડકી, બેરકપોર, બેલગામ, ઝાંસી, સિકંદરાબાદ અને સેન્ટ થોમસ માઉન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સામાજિક ન્યાય મંત્રાલયના સહયોગ અને ભંડોળની ઉપલબ્ધતા મુજબ હાલના કેન્દ્રોના સંચાલન અને જાળવણી માટે પણ આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.
હાલમાં દેશની પાંચ લશ્કરી છાવણીઓ—અંબાલા (હરિયાણા), દેવલાલી (મહારાષ્ટ્ર), જબલપુર (મધ્યપ્રદેશ) તેમજ ઉત્તરાખંડના રાનીખેત અને લેન્સડાઉનમાં ડેકેર સેન્ટરો કાર્યરત છે, જ્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને લખનૌમાં વરિષ્ઠ નાગરિક ગૃહો ચાલી રહ્યા છે. નવા કરાર મુજબ, આ તમામ સાત હયાત કેન્દ્રોને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને અપગ્રેડ કરવામાં આવશે. સરકારની આ પહેલથી લશ્કરી વિસ્તારોમાં રહેતા નિવૃત્ત સૈનિકો અને વરિષ્ઠ નાગરિકોને સન્માનજનક, સુરક્ષિત અને સુવિધાયુક્ત જીવનધોરણ મળી રહેશે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
