News of Thursday, 3rd September 2026
અમેઠીમાં રેલવેની મોટી બેદરકારી! ચાલુ માલગાડીનું કપલિંગ તૂટતાં ગાર્ડ બોગી સહિતના ડબ્બા છૂટા પડ્યા, એન્જિન ૧ કિમી આગળ નીકળી ગયું!
અયોધ્યાથી પ્રયાગરાજ જતી ગૂડ્સ ટ્રેનમાં ઘટેલી ઘટનાનો વીડિયો વાયરલ: પાછળથી અન્ય ટ્રેન ન આવતા મોટી હોનારત ટળી

અમેઠી | તા.૦૩: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લા હેઠળના રામગંજ ડિવિઝનમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અયોધ્યાથી પ્રયાગરાજ તરફ જઈ રહેલી એક ગૂડ્સ ટ્રેન (માલગાડી)નું કપલિંગ યોગ્ય રીતે ન જોડાયેલું હોવાના કારણે અથવા ચાલુ ટ્રેને અચાનક ખૂલી જતાં ગાર્ડની કેબિન સહિત અડધો ડઝન જેટલા ડબ્બા ટ્રેક પર જ અલગ થઈને રહી ગયા હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ટ્રેનના કપલિંગ ખૂલી ગયા હોવા છતાં લોકો પાયલટને તેની કોઈ જાણ થઈ ન હતી અને ટ્રેનનું એન્જિન બાકીના ડબ્બા લઈને આશરે એક કિલોમીટર જેટલું આગળ નીકળી ગયું હતું. બાદમાં જ્યારે ડ્રાઈવરને પાછળ ડબ્બા છૂટી ગયા હોવાનો ખ્યાલ આવ્યો, ત્યારે એન્જિનને રિવર્સ લાવીને ટ્રેકના વચગાળામાં અટવાયેલી બોગીઓ સાથે ફરીથી જોડવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે રેલવે વ્યવહાર થોડો સમય ખોરવાયો હતો.
સૌથી રાહતની વાત એ રહી કે જે સમયે ગૂડ્સ ટ્રેનના ડબ્બા અલગ થઈને ટ્રેક પર અટવાયા હતા, તે સમયે તે જ ટ્રેક પર પાછળથી અન્ય કોઈ પેસેન્જર કે એક્સપ્રેસ ટ્રેન આવી રહી ન હતી. જો તે સમયે પાછળથી કોઈ સ્પીડમાં આવતી ટ્રેન આવી ગઈ હોત તો ભયાનક અકસ્માત સર્જાયો હોત. સમયસૂચકતા અને સદનસીબે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
રેલવે સ્ટેશન સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ, વાયરલ થઈ રહેલો આ વીડિયો થોડો સમય જૂનો છે. કપલિંગ લોકિંગ સિસ્ટમમાં તકનીકી ખામી સર્જાવાના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રે ત્વરિત કામગીરી કરીને ડબ્બાઓને સફળતાપૂર્વક જોડી ટ્રેનને સુરક્ષિત રીતે તેના ગંતવ્ય સ્થાન પ્રયાગરાજ તરફ રવાના કરી દીધી હતી.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
