News of Friday, 25th September 2026
મણિપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: ઉખરુલમાં ૩ જટિલ IED નિષ્ક્રિય કરાયા, ચાઇનીઝ ગ્રેનેડ અને વિદેશી શસ્ત્રો સાથે ૪ કટ્ટર ઉગ્રવાદીઓ ઝડપાયા!
'સ્પીયર કોર્પ્સ', આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં ભયાનક ષડયંત્ર નિષ્ફળ; રાજ્યભરમાં ૧૧૬ સુરક્ષા નાકા ગોઠવાયા

ઇમ્ફાલ, તા.૨૫: મણિપુરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આર્મી અને સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા સાંપડી છે. ઉખરુલ જિલ્લામાં આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના સહયોગથી 'સ્પીયર કોર્પ્સ' (Spear Corps)ના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ત્રણ અત્યંત ખતરનાક અને જટિલ સર્કિટ ધરાવતા 'ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ' (IED) શોધી કાઢ્યા હતા. નાગરિકો અને સંપત્તિ માટે મોટો ખતરો બનેલા આ વિસ્ફોટકોને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ઘટનાસ્થળે જ નિયંત્રિત ધડાકો કરીને સલામત રીતે નષ્ટ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, રાજ્યના અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા ચાર કટ્ટર ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશનથી પહાડી અને ખીણ વિસ્તારમાં સક્રિય અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ચીની ગ્રેનેડ અને ગ્લોક પિસ્તોલ જેવા આધુનિક શસ્ત્રો જપ્ત
ઇમ્ફાલ વેસ્ટ, બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાઓમાંથી ઝડપાયેલા ચારેય ઉગ્રવાદીઓ 'પીપલ્સ લિબરેશન આર્મી' (PLA), 'રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ' (RPF) અને 'કાંગલેઈપાક કોમ્યુનિસ્ટ પાર્ટી' (KCP) જેવા સંગઠનો સાથે જોડાયેલા છે. સુરક્ષા દળોએ પકડાયેલા ઉગ્રવાદીઓ પાસેથી બે ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ (ડેટોનેટર સાથે), 'ગ્લોક ૧૯' વિદેશી પિસ્તોલ, પાંચ રાઉન્ડ દારૂગોળો અને વાહનો જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ફેન્ડોમ દિનેશ સિંહ, અહીબામ સિલાન મેઇતેઈ, ઓક્રામ ગોબિન મેઇતેઈ અને સંજેનબામ અબુંગ સિંહ તરીકે થઈ છે.
હાલમાં સમગ્ર મણિપુરમાં વિરોધી તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે ૧૧૬ જેટલા સુરક્ષા ચેકપોઈન્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. નેશનલ હાઇવે પર આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા વાહનોને વિશેષ કમાન્ડો કવર હેઠળ સુરક્ષિત પસાર કરાવવામાં આવી રહ્યા છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
