News of Friday, 3rd July 2026
પીએફ ખાતાધારકો માટે ઓનલાઈન નિયમોમાં રાતોરાત મોટો ફેરબદલ: EPFO વેબસાઈટ પરથી UAN એક્ટિવેશનની સુવિધા કાયમ માટે બંધ, હવે નવો નિયમ લાગુ!
લગભગ એક સપ્તાહ સુધી પોર્ટલ બંધ રહ્યા બાદ નવા દેખાવ સાથે ખુલ્યું; હવે નવું UAN જનરેટ કરવા કે સક્રિય કરવા માટે ફરજિયાતપણે UMANG એપ પર જવું પડશે, 'ફેસ ઓથેન્ટિકેશન' થયું અનિવાર્ય

નવી દિલ્હી, તા.૦૩: દેશભરના કરોડો પીએફ (કર્મચારી ભવિષ્ય નિધિ) ખાતાધારકો માટે સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આંચકાજનક અપડેટ જાહેર કરી છે. જો તમે પણ નોકરીયાત વર્ગમાંથી આવો છો અને તમારો પીએફ કપાય છે, તો આ નિયમ તમારા માટે અત્યંત જરૂરી છે. લગભગ એક અઠવાડિયા સુધી ટેકનિકલ અપગ્રેડેશન માટે બંધ રહ્યા બાદ, EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) નું ઓફિશિયલ યુનિફાઇડ મેમ્બર પોર્ટલ હવે એકદમ નવા લુક અને કડક ડિજિટલ સિક્યોરિટી ફીચર્સ સાથે ફરી શરૂ થઈ ગયું છે. જો કે, આ નવા ફેરફારમાં સરકારે વેબસાઈટ પરથી બે સૌથી મોટી સુવિધાઓ આંચકી લીધી છે, જેને કારણે હવે કરોડો સભ્યો માટે પદ્ધતિ બદલાઈ ગઈ છે.
EPFO એ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે હવેથી યુઝર્સ પોર્ટલ કે વેબસાઇટ પર જઈને સીધું પોતાનું UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એક્ટિવેટ કરી શકશે નહીં, કે ત્યાંથી નવું UAN જનરેટ પણ નહીં થઈ શકે. સાયબર ફ્રોડ રોકવા અને ઓળખની ચકાસણી વધુ મજબૂત કરવા માટે આ બંને મહત્વપૂર્ણ ઓનલાઈન સેવાઓને હવે કેન્દ્ર સરકારની સત્તાવાર 'UMANG' (ઉમંગ) એપ પર શિફ્ટ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, હવે આ કામગીરી માટે આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો સ્કેન કરવાની પ્રક્રિયા) ફરજિયાત બનાવવામાં આવી છે.
હવે કેવી રીતે થશે UAN એક્ટિવેશન? સમજો નવી પ્રોસેસ
જો તમારું UAN હજુ સુધી સક્રિય ન થયું હોય, તો હવે વેબસાઈટ ખોલવાને બદલે તમારે તમારા સ્માર્ટફોનમાં સૌથી પહેલા UMANG એપ ડાઉનલોડ કરવી પડશે.
• એપ ઓપન કરીને તેમાં 'EPFO સેવાઓ' ના વિકલ્પમાં જવાનું રહેશે.
• ત્યારબાદ "UAN સેવાઓ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન" અંતર્ગત આપેલા "UAN સક્રિયકરણ" (UAN Activation) ના ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
• અહીં સ્ક્રિન પર દેખાતી સૂચનાઓ મુજબ આધાર કાર્ડ સાથે લિંક ફેસ ઓથેન્ટિકેશન પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ જ તમારો નંબર સક્રિય થશે.
આ જ નિયમ નવું UAN મેળવવા માટે પણ લાગુ પડશે. જે કર્મચારીઓ પાસે પીએફ ખાતું છે પણ UAN નથી, તેમણે ઉમંગ એપમાં "UAN ફાળવણી અને સક્રિયકરણ" પર જઈ મોબાઈલ નંબર વેરીફાઈ કરી, પોતાની વિગતો ભરીને ચહેરો સ્કેન (ફેસ ઓથેન્ટિકેશન) કરવો પડશે. જો કે, જો કોઈ કર્મચારી પોતાનો UAN નંબર ભૂલી ગયો હોય, તો તેને રિકવર કરવાની પ્રક્રિયા પોર્ટલ પર જ ઉપલબ્ધ રહેશે, જ્યાં રજિસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી મેળવીને તે જાણી શકાશે.
ડેથ કલેઈમ માટે પોર્ટલ પર જ મળશે સુવિધા
EPFO એ રાહત આપતા જણાવ્યું છે કે, જો કોઈ પીએફ સભ્યનું અવસાન થાય છે, તો તેમના નોમિની કે વારસદારો માટે મૃત્યુના દાવા (Death Claims) ફાઇલ કરવાની સુવિધા પહેલાની જેમ જ મેમ્બર પોર્ટલ પર ઓનલાઇન ચાલુ રહેશે. પેન્શન અને અન્ય ક્લેઈમ માટે અરજી કરતી વખતે લાભાર્થીનો આધાર-લિંક્ડ મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ. ફોર્મ ભરતી વખતે મૃત્યુ પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક અને જન્મ તારીખના પુરાવા જેવા દસ્તાવેજો ૨ MB થી ઓછી સાઈઝની પીડીએફ (PDF) ફાઈલમાં અપલોડ કરવાના રહેશે. સરકારના આ ડિજિટલ પગલાંથી પીએફ ઓફિસોના ધક્કા તો બચશે, પરંતુ ટેકનોલોજીથી અજાણ લોકોએ હવે સ્માર્ટફોન એપનો ઉપયોગ શીખવો પડશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
