<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

દિલ્હી એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી : દિલ્હીથી ઝ્યુરિચ જઈ રહેલી સ્વિસ એરની ફ્લાઈટનાં ટેક-ઓફ સમયે વિમાનના એન્જિનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

પાયલટની સમયસૂચકતાએ ૨૩૨ મુસાફરોનો જીવ બચાવ્યો : ઇમરજન્સી સ્લાઇડથી ઉતરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા ૬ મુસાફરો હોસ્પિટલમાં દાખલ

 નવી દિલ્હી : રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર શનિવારે મોડી રાત્રે એક ભયાનક વિમાન અકસ્માત સર્જાતા રહી ગયો હતો. દિલ્હીથી ઝ્યુરિચ જઈ રહેલી સ્વિસ એરની ફ્લાઈટ સંખ્યા LX147 જ્યારે ટેક-ઓફ કરવાની તૈયારીમાં હતી, ત્યારે જ તેના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, પાયલટની સતર્કતાને કારણે હવામાં ઉડતા પહેલા જ વિમાનને રનવે પર સુરક્ષિત રીતે રોકી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.

 

 ટેક-ઓફ સમયે સર્જાઈ ટેકનિકલ ખામી:

પ્રાપ્ત વિગતો અનુસાર, વિમાન રનવે પર દોડી રહ્યું હતું અને તેની ગતિ અંદાજે ૧૦૪ નોટ્સ (લગભગ ૧૯૨ કિમી પ્રતિ કલાક) સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન અચાનક વિમાનના એન્જિન નંબર ૧ માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને જોતજોતામાં તેમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. સ્થિતિની ગંભીરતાને પારખીને પાયલટે ત્વરિત ટેક-ઓફ કેન્સલ કર્યું હતું અને ભારે જહેમત બાદ વિમાનને રનવે પર સ્થિર કરવામાં સફળતા મેળવી હતી.

 

 ૬ મુસાફરો ઈજાગ્રસ્ત, ૨૩૨નો આબાદ બચાવ:

વિમાનમાં કુલ ૨૩૨ મુસાફરો સવાર હતા. આગની ઘટના બાદ ઈમરજન્સી એક્ઝિટ સ્લાઇડ્સ દ્વારા મુસાફરોને વિમાનની બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ ઉતાવળમાં સ્લાઇડ પરથી નીચે ઉતરતી વખતે ૬ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

 

 રનવે બંધ અને વૈકલ્પિક વ્યવસ્થા:

આ ઘટના બાદ એરપોર્ટના રનવે નંબર ૨૮ ને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્વિસ એર દ્વારા મુસાફરોની સુવિધા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે, જે મુસાફરો માટે હોટેલ રહેવા અને અન્ય વૈકલ્પિક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહી છે. પાયલટની સૂઝબૂઝને કારણે આટલી મોટી દુર્ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

(11:50 AM IST)