News of Friday, 4th September 2026
અમેરિકામાં RSS સામે મોટો રાજકીય વિવાદ: ૯૦ નેતાઓએ સંઘ અને સહયોગીઓ પાસેથી દાન ન લેવાની કરી જાહેરાત
રો ખન્ના અને પ્રમિલા જયપાલ સહિતના નેતાઓએ સંકલ્પ લીધો, હિન્દુ અમેરિકન PAC દ્વારા આ અભિયાનને ગણાવાયું હિન્દુ વિરોધી

ન્યુયોર્ક : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતના ન્યુયોર્કના મેનહટન ખાતે આવેલા મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલા 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમના વિરોધરૂપે અમેરિકાના આઠ રાજ્યોના ૯૦ જેટલા ચૂંટાયેલા નેતાઓ અને ઉમેદવારોએ ૩૧ ઓગસ્ટે આરએસએસ તથા તેના સહયોગી સંગઠનો પાસેથી કોઈપણ પ્રકારનું આર્થિક દાન કે સહાય નહીં સ્વીકારવાનો સંકલ્પ જાહેર કર્યો છે.
આ અભિયાનની વિગતવાર માહિતી આપતા 'હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન' અને 'સાઉથ એશિયન અમેરિકન કોઅલિશન ટુ રિન્યુ ડેમોક્રસી' જેવા સંગઠનોએ જણાવ્યું હતું કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષોના નેતાઓના આ છ પાનાના સંકલ્પ પર હસ્તાક્ષર કરનારાઓમાં ભારતીય મૂળના લોકપ્રિય સાંસદો રો ખન્ના અને પ્રમિલા જયપાલ ઉપરાંત કોંગ્રેસના સભ્યો, રાજ્યના ધારાસભ્યો અને મેયરો પણ સામેલ છે, જેઓ જાતિ વ્યવસ્થા અને હિન્દુ રાષ્ટ્રવાદ સામે લોકતંત્ર તથા માનવાધિકારોના રક્ષણ માટે આ પગલું ભરી રહ્યા છે.
આ ઘટનાક્રમ સામે હિન્દુ અમેરિકન પોલિટિકલ એક્શન કમિટિએ તીખી પ્રતિક્રિયા આપતા આ ૯૦ અમેરિકન નેતાઓના અભિયાનની આકરી ટીકા કરી છે અને આ સંગઠનોને કટ્ટરપંથી ડાબેરી જૂથો ગણાવીને આ જાહેરાતને સ્પષ્ટપણે અમેરિકા વિરોધી અને હિન્દુ વિરોધી ગણાવી છે, જેના કારણે અમેરિકન રાજકારણમાં ભારતીય મૂળના સમુદાયો અને સંગઠનો વચ્ચે વૈચારિક ઘર્ષણ તીવ્ર બન્યું છે.
ભૂતકાળમાં પણ વિદેશી ધરતી પર ભારતીય સંગઠનોના કાર્યક્રમો અને વૈચારિક પૃષ્ઠભૂમિને લઈને આવા વિરોધ પ્રદર્શનો થતા રહ્યા છે, અને આગામી સમયમાં આ રાજકીય બહિષ્કાર અભિયાન અમેરિકાની ચૂંટણીઓ તથા ભારતીય-અમેરિકન લોબી પર કેવી અસર છોડે છે તે જોવું રસપ્રદ રહેશે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
