<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ઉદ્ધવ ઠાકરે જૂથમાં મોટું ભંગાણઃ વ્‍હીપ' છતાં ૯માંથી માત્ર ૩ જ સાંસદ હાજર!

મહારાષ્‍ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપ શિંદે કેમ્‍પનું ‘ઓપરેશન ટાઈગર' સફળ રહ્યાનો દાવો; ગાયબ થયેલા ૬ લોકસભા સાંસદોએ સ્‍પીકર ઓમ બિરલાને વિલીનીકરણનો પત્ર સોંપ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૮: મહારાષ્‍ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો હાઈવોલ્‍ટેજ ડ્રામા સર્જાયો છે. દિલ્‍હીમાં યોજાયેલી શિવસેનાની મહત્‍વની સંસદીય બેઠકમાં પક્ષના કડક આદેશ અને વ્‍હીપ હોવા છતાં, ૯માંથી માત્ર ૩ જ લોકસભા સાંસદો હાજર રહ્યા હતા. બાકીના ૬ સાંસદો ગેરહાજર રહીને એકનાથ શિંદે જૂથમાં જોડાવા રવાના થઈ જતાં ઉદ્ધવ ઠાકરેને સખત આંચકો લાગ્‍યો છે. શિંદે જૂથે આ ઓપરેશન સફળ રહ્યાની જાહેરાત કરી છે, જ્‍યારે સંજય રાઉતે ગેરહાજર સાંસદોને ગદ્દાર ગણાવ્‍યા છે.

પક્ષ દ્વારા ખાસ તૈયાર કરાયેલા હાજરી પત્રક મુજબ, આ બેઠકમાં માત્ર અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે જ હાજર રહ્યા હતા. બાકીના ૬ સાંસદોમાંથી એક પણ નેતા સંસદ ભવન ખાતેની પક્ષની ઓફિસે ફરકયા નહોતા. આ ઘટના બાદ મુખ્‍ય પ્રવક્‍તા અરવિંદ સાવંતે સંકેત આપ્‍યા છે કે વ્‍હીપનો અનાદર કરનારા તમામ ગેરહાજર ૬ સાંસદો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સભ્‍યપદ રદ કરાવવા માટે કાનૂની પગલાં લેવામાં આવશે.

આ મોટા ભંગાણ બાદ દિલ્‍હીમાં અરવિંદ સાવંત સાથે એક સંયુક્‍ત પત્રકાર પરિષદને સંબોધતા શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત અત્‍યંત આકરા મૂડમાં જોવા મળ્‍યા હતા. તેમણે રોષે ભરાઈને જણાવ્‍યું હતું કે, જે લોકો બેઠકમાં આવ્‍યા છે તે જ આપણા વફાદારો છે. જેઓ પક્ષનો આદેશ હોવા છતાં નથી આવ્‍યા તે તમામ ગદ્દાર અને અ-માણિક છે. આ સાથે જ તેમણે શિંદે જૂથ પર પ્રહારો કરતા ઉમેર્યું કે, શિવસેનાની ઓળખ હંમેશા ઠાકરે પરિવારના નેતળત્‍વ સાથે જ રહી છે. જ્‍યાં સુધી ઠાકરે છે, ત્‍યાં જ અસલી શિવસેના છે, અન્‍ય કોઈ અસલી હોવાનો દાવો ન કરી શકે.

રાજકીય વર્તુળોમાંથી મળતી પાકી વિગતો મુજબ, આ ૬ બળવાખોર સાંસદોએ શિંદે કેમ્‍પના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં લોકસભા સ્‍પીકર ઓમ બિરલા સાથે એક ગુપ્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ શિંદે જૂથ સાથે સત્તાવાર વિલીનીકરણની માન્‍યતા માંગતો એક પત્ર પણ સ્‍પીકરને સુપ્રત કરી દીધો છે. કેન્‍દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્‍યું છે કે આ પત્ર હવે સ્‍પીકરના કાર્યક્ષેત્રમાં છે અને તેઓ જ તેના પર આખરી કાનૂની નિર્ણય લેશે.

આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ પર કેન્‍દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપતા જણાવ્‍યું છે કે, ઉદ્ધવ ઠાકરે આજે જે પતન જોઈ રહ્યા છે તે વર્ષ ૨૦૧૯માં તેમણે કરેલી મોટી રાજકીય ભૂલનું પરિણામ છે. જો તે સમયે ઉદ્ધવે દેવેન્‍દ્ર ફડણવીસને સમર્થન આપીને ડેપ્‍યુટી સીએમ (નાયબ મુખ્‍યમંત્રી) પદ સ્‍વીકારી લીધું હોત, તો આજે તેમના સાંસદો અને ધારાસભ્‍યો આ રીતે સાથ છોડીને ભાગત નહીં. તેમણે દાવો કર્યો કે આ ૬ સાંસદોના આવવાથી NDA અને મહાયુતિ ગઠબંધન લોકસભામાં વધુ મજબૂત બનશે.

(3:06 PM IST)