<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

વિદેશમાં ભારતીય દૂતાવાસોના વિઝા-પાસપોર્ટ ટેન્ડર વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો: દિલ્હી હાઈકોર્ટનો આદેશ રાખ્યો યથાવત, ૩ મહિનામાં નવી પ્રક્રિયા પૂર્ણ કરવા MEA ને અલ્ટીમેટમ

અબુ ધાબી, કુવૈત, સિંગાપોર અને કેનબેરા મિશનના ટેન્ડરોમાં પારદર્શિતાના અભાવે કેન્દ્ર સરકારને ઝટકો; મુસાફરોની સગવડતા માટે સેવાઓ અવિરત રાખવા કોર્ટે આપી વચગાળાની રાહત

તા. ૨૦, જુલાઈ ૨૦૨૬: નવી દિલ્હી: વિદેશમાં આવેલા ચાર મહત્વપૂર્ણ ભારતીય મિશનોમાં કોન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા (CPV) સેવાઓના આઉટસોર્સિંગ ટેન્ડર પ્રક્રિયાને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં આજે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે વિદેશ મંત્રાલય (MEA) ની ટેન્ડર પ્રક્રિયા રદ કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની ખાસ રજા અરજીઓ (SLPs) ને ફગાવી દીધી છે.

પારદર્શિતાના મુદ્દે સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે દરેક દેશ અને મિશનની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી ટેકનિકલ મૂલ્યાંકનમાં માર્ક્સ આપવાની પદ્ધતિ અલગ હોઈ શકે. જોકે, ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ આ માર્કિંગ પદ્ધતિ સામે કડક વાંધો ઉઠાવતા કહ્યું કે, જે શરતો પર કંપનીઓને માર્ક્સ ફાળવવામાં આવ્યા છે તે બિલકુલ પારદર્શક નથી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પણ અવલોકન કર્યું કે, "તમે લાયકાત કે ગેરલાયકાત પાછળના યોગ્ય કારણો ન આપીને હાઈકોર્ટના આદેશને વહોરી લીધો છે, હાઈકોર્ટે તમને બરાબર પકડી લીધા છે."

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત દિલ્હી હાઈકોર્ટના ૧૫ જુલાઈના ચુકાદાથી થઈ હતી. 'ઈ ટ્રેવ ટેક લિમિટેડ' અને 'વેરાસિસ લિમિટેડ' નામની કંપનીઓએ ટેન્ડર પ્રક્રિયામાંથી પોતાની તકનીકી ગેરલાયકાતને પડકારી હતી. કંપનીઓનો આરોપ હતો કે તેમને કયા આધારે ઓછા ગુણ આપી બહાર કરાયા તેનું કોઈ કારણ સરકારે જાહેર કર્યું ન હતું. હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની આ પ્રક્રિયાને મનસ્વી, અતાર્કિક અને પારદર્શિતા વગરની ગણાવીને અબુ ધાબી, કુવૈત, સિંગાપોર અને કેનબેરાના કોન્ટ્રાક્ટ્સ રદ કરી દીધા હતા.

મુસાફરોને તકલીફ ન પડે તે માટે મોટો ફેરફાર

સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી કે ટેન્ડરો રદ થવાથી વિદેશમાં ભારતીય મિશનોના કામકાજમાં મોટો વિક્ષેપ પડ્યો છે અને દૂતાવાસના અધિકારીઓને વિઝા-પાસપોર્ટના કાઉન્ટર સંભાળવા પડી રહ્યા છે. આ વ્યવહારિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં આંશિક સુધારો કર્યો છે. કોર્ટે વચગાળાની વ્યવસ્થા તરીકે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી નવી ટેન્ડર પ્રક્રિયા (RFPs) પૂર્ણ ન થાય અને નવો કોન્ટ્રાક્ટ ન અપાય, ત્યાં સુધી હાલના સેવા પ્રદાતાઓ કામ ચાલુ રાખી શકશે અથવા સરકાર પોતાના જોખમે L-1 બિડર્સને કામચલાઉ જવાબદારી સોપી શકશે, જેથી કોન્સ્યુલર સેવાઓ અવિરત ચાલુ રહે.

સુપ્રીમ કોર્ટે વિદેશ મંત્રાલયને આગામી ત્રણ મહિનાની અંદર તમામ નિયમોનું પાલન કરીને નવેસરથી પારદર્શક ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવાનો કડક આદેશ આપ્યો છે.

 

(3:53 PM IST)