<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

મોરોક્કોથી સેઉટામાં ૬૦ હજાર ઘૂસણખોરોના ભયાનક ધસારા બાદ અમેરિકાની મોટી કાર્યવાહી: સ્પેનિશ એન્ક્લેવ માટે 'લેવલ-૩' ટ્રાવેલ એડવાઇઝરી જારી

અણધારી અને અત્યંત ખતરનાક સ્થિતિને પગલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાગરિકોને મુસાફરી પર પુનર્વિચાર કરવા આપી કડક ચેતવણી: પરિસ્થિતિ વણસતા સ્પેને લશ્કર અને રાષ્ટ્રીય પોલીસ દળો તૈનાત કર્યા.

વોશિંગ્ટન — તા.03 ઉત્તર આફ્રિકામાં આવેલા સ્પેનના પ્રદેશ 'સેઉટા' (Ceuta) માં મોરોક્કોથી અચાનક ૬૦,૦૦૦ થી વધુ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ ઘૂસી જતાં ભારે કટોકટી સર્જાઈ છે. આ ભયાનક અને અનિયંત્રિત સરહદ ભંગને પગલે યુનાઇટેડ સ્ટેટ્સના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સેઉટા માટેની પોતાની ટ્રાવેલ એડવાઇઝરી તાત્કાલિક અસરથી વધારીને 'લેવલ-૩' (Level 3) કરી દીધી છે. અમેરિકી સરકારે પોતાના નાગરિકોને સેઉટાની મુલાકાત ન લેવા અને વધતી અસ્થિરતા વચ્ચે ત્યાંની મુસાફરી પર પુનર્વિચાર કરવા સ્પષ્ટ સલાહ આપી છે.
સત્તાવાર એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે મોરોક્કોથી મોટા પાયે થઈ રહેલા આ અનિયંત્રિત આગમનને કારણે વિસ્તારમાં અત્યંત અણધારી અને ખતરનાક સુરક્ષા પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ આટલી ગંભીર બનતા સ્પેનિશ સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોતાના સૈન્ય, સ્પેનિશ રાષ્ટ્રીય પોલીસ અને 'ગાર્ડિયા સિવિલ' દળોને રસ્તા પર ઉતારી દીધા છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ એડવાઇઝરી માત્ર સેઉટા પૂરતી મર્યાદિત છે અને સ્પેનની મુખ્ય ભૂમિ કે અન્ય ભાગો માટે જૂનું સ્ટેટસ યથાવત છે.
આ ઘટના બાદ યુએસ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડાયલન જોહ્ન્સને સ્પેનની ડાબેરી ગઠબંધન સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે સ્પેનિશ સરકાર પોતાની સરહદો સુરક્ષિત કરવામાં અને લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે આજે સમગ્ર યુરોપની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માસ-ક્રોસિંગનું આયોજન કરવા માટે સ્થળાંતર કરનારાઓએ મોટા પાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કર્યો હતો.
દરીયાઈ સરહદો ઓળંગીને અને વાડ તોડીને થયેલા આ ઘૂસણખોરીના પ્રયાસો દરમિયાન ડઝનેક સ્થળાંતર કરનારાઓના મોત પણ થયા છે, જ્યારે હજારો લોકોને સ્પેનિશ સુરક્ષા દળોએ અટકાયતમાં લીધા છે. વધતા જતા માનવ તસ્કરીના રૅકેટ અને ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા માટે સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે સેઉટામાં સરહદી દળોને વધુ મજબૂત કરવા અને મોરોક્કો સાથે મળીને કડક અવરોધો ઊભા કરવાની જાહેરાત કરી છે.

(4:19 PM IST)