News of Saturday, 14th November 2026
અમેરિકાના મિસિસિપી નદીમાં મોટી જળદુર્ઘટના:129 મુસાફરોથી ભરેલા ‘અમેરિકન હેરિટેજ’ ક્રૂઝ જહાજ સાથે એક ટેન્કર અથડાયુ
ક્રૂઝ એક તરફ નમી પડ્યું અને અનેક મુસાફરો નદીમાં ખાબક્યા:US કોસ્ટ ગાર્ડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન:14 લોકોને બહાર કાઢી બચાવી લેવાયા:અન્ય લાપતા મુસાફરોની શોધખોળ

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ ખાતે ભયાનક જળદુર્ઘટના સર્જાઈ હતી. અહીંની પ્રસિદ્ધ મિસિસિપી નદીમાં ઉભેલા અમેરિકન ક્રૂઝ લાઈન્સના એક પેસેન્જર જહાજ સાથે એક વિશાળ ટેન્કરની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ક્રૂઝ જહાજ એક તરફ નમી પડ્યું હતું અને તેમાં સવાર ઘણા મુસાફરો નદીના ઊંડા પાણીમાં ખાબક્યા હતા.
અમેરિકી સમાચારપત્ર ‘ધ એડવોકેટ’ દ્વારા ન્યૂ ઓર્લિયન્સ પોર્ટના અધિકારીઓને ટાંકીને અપાયેલી માહિતી મુજબ, અકસ્માત સમયે ‘અમેરિકન હેરિટેજ’ નામના ક્રૂઝ જહાજ પર 129 મુસાફરો સવાર હતા. બપોરે આશરે 12:30 વાગ્યે ‘અટલાન્ટિક એસ્ફાલ્ટ’ નામના ટેન્કરે આ ક્રૂઝ જહાજને જોરદાર ટક્કર મારી હતી.
ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ, અકસ્માત બાદ નદીમાં પડેલા મુસાફરોમાંથી ઓછામાં ઓછા 14 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવાયા છે, જ્યારે અન્ય લાપતા મુસાફરોની શોધખોળ ચાલી રહી છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ માર્કવેન મુલિને સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે લાપતા મુસાફરોને શોધવા અને બચાવવા માટે તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે. ન્યૂ ઓર્લિયન્સના મેયર કાર્યાલય અને યુએસ કોસ્ટ ગાર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષાના કારણોસર હાલ દુર્ઘટનાસ્થળ આસપાસ નદીમાં અન્ય જહાજોની અવરજવર અટકાવી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતગ્રસ્ત ‘અમેરિકન હેરિટેજ’ ક્રૂઝ જહાજનું નિર્માણ વર્ષ 2015 માં કરવામાં આવ્યું હતું અને તેની મહત્તમ ક્ષમતા 150 મુસાફરોની છે. અમેરિકન ક્રૂઝ લાઈન્સ કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે જહાજ પરના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને કંપની સ્થાનિક વહીવટીતંત્ર તથા કોસ્ટ ગાર્ડ સાથે મળીને રાહત કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
