News of Monday, 27th April 2026
ન્યાયના આસને બેસીને જ ન્યાયની મજાક? કેરળમાં લેડી મેજિસ્ટ્રેટે બ્યુટી ટ્રીટમેન્ટના નાણાં પચાવી પાડવા નકલી સહી-સિક્કા કર્યા, હાઈકોર્ટે કર્યા સસ્પેન્ડ
તબીબી વળતરના નામે સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો પ્રયાસ ભારે પડ્યો; થ્રિસુરના મેજિસ્ટ્રેટ ટિયારા રોઝ મેરીએ DMO ની બનાવટી સહી કરીને બોગસ બિલો રજૂ કર્યા, તપાસમાં ભાંડો ફૂટ્યો

થ્રિસુર: કેરળના ન્યાયતંત્રમાં શિસ્ત અને પ્રમાણિકતાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. થ્રિસુરના ત્રીજા વધારાના મુનસિફ મેજિસ્ટ્રેટ ટિયારા રોઝ મેરીને તબીબી વળતરના નકલી દાવા કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક ન્યાયિક અધિકારી પોતે જ છેતરપિંડી અને દસ્તાવેજોની બનાવટમાં સામેલ હોવાનું બહાર આવતા કાયદાકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.
બ્યુટી ટ્રીટમેન્ટના ખર્ચ માટે રચી માયાજાળ
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મેજિસ્ટ્રેટ ટિયારા રોઝ મેરીએ તેમની 'બ્યુટી ટ્રીટમેન્ટ' (સુંદરતા સંબંધિત સારવાર) પાછળ થયેલા ખર્ચના વળતર માટે જિલ્લા તબીબી અધિકારી (DMO) સમક્ષ બિલ રજૂ કર્યું હતું. નિયમ મુજબ, કોસ્મેટિક કે સુંદરતા સંબંધિત સારવાર માટે કોઈ વળતર મળવાપાત્ર હોતું નથી, તેથી DMO એ આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો હતો. જોકે, સરકારી નાણાં મેળવવાની લાલચમાં મેજિસ્ટ્રેટે હાઈકોર્ટ સમક્ષ આ બિલો રજૂ કર્યા હતા.
તપાસમાં ફૂટ્યો ભાંડો: DMO ના નકલી સહી-સિક્કા મળ્યા
જ્યારે આ બિલ હાઈકોર્ટના વહીવટી વિભાગ પાસે પહોંચ્યા ત્યારે શંકા જન્મી હતી. હાઈકોર્ટે રજિસ્ટ્રારને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં જે બહાર આવ્યું તે સ્તબ્ધ કરી દે તેવું હતું. મેજિસ્ટ્રેટે રજૂ કરેલા દસ્તાવેજોમાં જિલ્લા તબીબી અધિકારી (DMO) ના બનાવટી સિક્કા મારવામાં આવ્યા હતા અને તેમની નકલી સહી પણ કરવામાં આવી હતી. આ ગંભીર ગેરરીતિ સાબિત થતા હાઈકોર્ટની વહીવટી સમિતિએ કડક વલણ અપનાવ્યું હતું.
છ મહિના માટે સસ્પેન્શન અને શિસ્તભંગના આદેશ
ન્યાયિક પદની ગરિમા જાળવવામાં નિષ્ફળ રહેલા મેજિસ્ટ્રેટ મેરીને તાત્કાલિક અસરથી ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે ન્યાયતંત્રમાં બેઠેલી વ્યક્તિ પાસેથી આવી અનૈતિકતા અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે, આ લેડી જજ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. ૨૦૨૪માં તેમણે પોતાના ઉપરી અધિકારી (ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ) પર ઉત્પીડનનો આરોપ લગાવીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
ન્યાયતંત્ર પર ઉઠ્યા સવાલ
આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે કાયદો દરેક માટે સમાન છે, પછી તે સામાન્ય નાગરિક હોય કે ન્યાયિક અધિકારી. હાઈકોર્ટના આ કડક પગલાથી ન્યાયતંત્રના અન્ય કર્મચારીઓમાં પણ કડક સંદેશ ગયો છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં તેમની સામે ફોજદારી કાર્યવાહી થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
